Gujarat માં વૃક્ષારોપણ બાદ માવજતમાં બેદરકારી, 10 કરોડ વાવણી સામે 10 લાખનો જ ઉછેર
અમદાવાદઃ ગુજરાતને(Gujarat)હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા કેટલાક લક્ષ્યાક નક્કી કરવામાં આવ્યા છે. જેમાં દર વર્ષે ચોમાસા દરમિયાન 10 કરોડ વૃક્ષો રોપવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જો કે વૃક્ષારોપણ બાદ તેની માવજતના અભાવે તેનો ઉછેર થઈ શકતો નથી. આ અંગે સામે આવેલા અહેવાલ મુજબ 10 કરોડમાંથી માત્ર 10 લાખ વૃક્ષો જ ઉછરી શકયા છે.
માવજતના અભાવે મોટાભાગના રોપાઓ કરમાયા
રાજ્યના વન વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે રાજ્યના 33 જિલ્લામાં વૃક્ષા રોપણ મોટી માત્રામાં થાય છે. છેલ્લા 10 વર્ષમાં સામાજિક વનીકરણના નામે વન મહોત્સવ તેમજ અન્ય પ્રસંગોએ સરકાર દ્વારા દર વર્ષે 10 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આ મુજબ રાજ્યમાં 100 કરોડ નવા વૃક્ષો હોવા જોઈએ. પરંતુ માવજતના અભાવે મોટાભાગના રોપાઓ કરમાઈ જતાં હોય છે.
80 ટકા ટ્રી-ગાર્ડ ખાલી
વન પ્રમાણે વિભાગની સત્તાવાર માહિતી પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના 33 જિલ્લામાં 18 લાખ વૃક્ષોનું છેદન કરી દેવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં વન વિભાગની અલગ અલગ યોજનાઓમાં ટ્રીગાર્ડ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. પરંતુ 80 ટકા ટ્રીગાર્ડ ખાલી પડ્યાં છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રીનકવરમાં વધારો કરવા સરકારે લોકો માટે કોઈ પ્રોત્સાહક યોજના જાહેર કરવી જોઇએ