Vadodara માં દુર્ઘટના સર્જાઇ, બેઝમેન્ટમાં પાણી ઉલેચવા ગયેલા બે લોકોના મોત…

વડોદરા: વડોદરા(Vadodara)શહેરમાં સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે દુર્ઘટના સર્જાઇ છે. જેમાં વડોદરા શહેર નજીકના વેમાલી ગામે પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાં ભરાયેલા પાણીને ઉલેચવા માટે નીચે ઉતરેલા મેનેજર અને સિક્યુરિટી જવાનના મોત નિપજ્યા છે. જેમાં પ્રાથમિક તપાસમાં બંનેના મોત કરંટ લાગવાથી થયા હોવાનું અનુમાન લગાવામાં આવ્યુ છે. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી છે. પાર્ટી પ્લોટના માલિકના દબાણના કારણે તેઓ પાણી ઉલેચવા ગયા હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો : Vadodara શહેરમાં પાણી ઓસરતા લોકોને રાહત, 10 બ્રિજને વાહન વ્યવહાર માટે ખોલી દેવાયા
કરંટ લાગવાથી મોત થયાની આશંકા
વડોદરા શહેર નજીકના વેમાલી ગામે આવેલા અતિથ્ય પાર્ટી પ્લોટમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ભરાઈ ગયા હતા. પાણી બેઝમેન્ટમાંથી બહાર કાઢવા માટે તંત્રની મદદ બે દિવસથી માંગવામાં આવી રહી હતી. ત્યારે સવારે મેનેજર મયૂર પટેલ તથા સિક્યુરિટી ગાર્ડ સુરેશ પઢિયારના મૃતદેહ બેઝમેન્ટના પાણીમાંથી મળી આવી હતી. આ બનાવના પગલે લોકો એકત્ર થયા હતા.
આ પણ વાંચો : વરસાદના વિનાશ પછી વડોદરાવાસીઓને મહાકાય મગરોએ દોડતા કરી મૂક્યા, જોઈ લો વીડિયો
પ્રાથમિક દ્રષ્ટિએ મળતી માહિતી મુજબ, મેનેજર અને સિક્યુરિટી જવાન પાણી ઉલેચવા માટે અંદર ઉતર્યા હતા. તે દરમિયાન કરંટ લાગવાથી તેમના મોત થયાનું અનુમાન છે. જોકે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળશે. મંજુસર પોલીસ બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.