સુરત બાદ વડોદરામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો…
અમદાવાદઃ ગુજરાત સહિત આખો દેશ ગણેશોત્સવ મનાવી રહ્યો છે. દરમિયાન સુરતમાં ગઈકાલે રવિવારે રાત્રે વાતાવરણ તંગ થયું હતું. સુરતમા પથ્થરમારાની ઘટના બાદ હવે તો શાંતિ છે ત્યારે વડોદરામા અશાંતિ ફેલાય તેવો અટકચાળો કોઈ તોફાની તત્વોએ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને નિષ્ફળ બનાવી દીધો છે.
શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા અર્બન સાત ફ્લેટ્સની છત પર અરબી ઝંડો લગાડવામાં આવતા સ્થિતિ તંગ બની છે. ઘટનાને પગલે ફ્લેટ્સમાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર દોડી આવ્યા હતા. અને તાત્કાલિક અરબી ઝંડો દૂર કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક પોલીસ મોટી સંખ્યામાં દોડી આવી હતી. સમગ્ર ઘટના બાદ અર્બન સાત ફ્લેટ્સ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. પોલીસ દ્વારા અરબી ઝંડા લગાવનાર તત્વોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.