
વડોદરા: શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતા બનેલી ગોઝારી દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકોના મોત થયા હતા. અ કેસની તપાસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે, કેસનો મુખ્ય આરોપી પરેશ શાહની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા પોલીસે હાલોલ-વડોદરા રોડ પરથી તેને પકડી પડ્યો હતો. મુખ્ય આરોપી પરેશ શાહ વકીલને મળવા માટે બસમાં બેસીને વડોદરા આવી રહ્યો હતો. આ સાથે SITએ આ મામલામાં નવ લોકોની ધરપકડ કરી છે. અહેવાલો મુજબ પરેશ શાહ કોટિયા કંપનીનો મુખ્ય વહીવટદાર છે.
જો કે કાગળ પર ક્યાંય તેનું નામ નથી. સુત્રોના જણાવ્યા મુજબ તેની ભાજપના આગેવાનો સાથે સાંઠગાંઠ હોવાથી રાજકીય વગ પણ ધરાવે છે. પરેશ શાહે જ તળાવની જગ્યા પર પુરાણ કરી રેસ્ટોરન્ટ શરુ કરાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂ સનરાઇઝ શાળા દ્વારા વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પિકનિક પર લવાયા હતા. જ્યાં બોટની ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓ બેસાડવાને કારણે પલટી ખાઇ ગઇ હતી. આ ગોઝારી દુર્ઘટનામાં 12 નાના વિદ્યાર્થીઓ સાથે બે શિક્ષિકાઓના મોત નીપજ્યા હતા.