વડોદરાવાસીઓને મગરોનો ડર નથી, સોશિયલ મીડિયા પર મગરોના રમુજી મીમ્સ વાયરલ…

અમદાવાદ: આજવા સરોવરના દરવાજા ખુલે અને વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધવાનુ શરુ થાય એટલે વડોદરાવાસીઓના જીવ અદ્ધર થઇ જાય છે. કેમ કે જો વિશ્વામિત્રીનું પાણી શહેરમાં ફરીવળે ત્યારે નદીમાં રહેતા મગરો પણ શહેરમાં આવી (Crocodile in Vadodara) જાય છે. આ વર્ષે આવેલા પુરમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિશાળકાય મગરો જોવા મળ્યા હતા. પરંતુ હવે મગરોની હાજરીથી ટેવાઈ ગયેલા વડોદરાવાસીઓએ મગર અંગેના મીમ્સ સોશિયલ પર વહેતા કર્યા હતા.
એક મહિલા ઘરના સોફા પર બેસીને મગરના બચ્ચાને નાના બાળકની જેમ રમાડી રહી હોય એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 11-સેકન્ડના વિડિયોમાં મહિલાનો ચહેરો દેખાતો નથી, પરંતુ તેના ખોળામાં મગરનું બચ્ચું જોવા મળે છે, મહિલા બચ્ચાના આગળના પગને પકડીને તેની સાથે રમતી જોવા મળે છે.

અન્ય એક વાયરલ થયલું મીમ બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનનું છે. જેમાં અમિતાભ તેના ખભા પર એક મોટા બાંધેલા મગરને લઈ જઈ રહ્યો છે. મૂળ સીન 1988માં આવેલી ફિલ્મ “ગંગા જમના સરસ્વતી”નો છે. ઘણા યુઝર્સે ‘બરોડીયન્સ ઇન મોન્સૂન્સ’ કેપ્શન સાથે ફોટો શેર કર્યો છે.

એક યુઝરે હોલીવૂડ ફિલ્મ Lyle, Lyle, Crocodile ફિલ્મનો એક સ્ક્રિનગ્રેબ પોસ્ટ કર્યો, જેમાં પરિવારજનો ડાઈનીંગ ટેબલ પર મગર સાથે બેસી નાસ્તો કરતા જોવા મળે છે. યુઝરે લખ્યું કે ‘દરેક ચોમાસા દરમિયાન વડોદરાના પરિવારોની સ્થિતિ.’

બાળકો મગરના બચ્ચા સાથે રમતા હોય એવો એઆઇ જનરેટેડ ફોટો શેર કરીને એક યુઝરે લખ્યુ કે અમને ગરોળીની બીક ન બતાવો, અમે મગર સાથે રમીને મોટા થયા છીએ.

એક યુઝરે બોલિવૂડ ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મનો સ્ક્રિન ગ્રેબ શેર કર્યો જેમાં શાહરૂખ ખાનના ચેહેરા પર મગરનું મોં લગાવવામાં આવ્યું છે, જે કાજોલને ‘હેલ્લો જી’કહેતો જણાઈ છે.

એક યુઝરે લખ્યું કે વડોદરામાં મગરો ફરી રહ્યા છે પણ સદભાગ્યે આપણી પાસે એવા વડા પ્રધાન છે જે બાળપણમાં મગર પકડતા હતાં.
એક યુઝરે લખ્યું કે વડોદરા હવે સંસ્કારી નગરી નહીં પણ, Muggersની નગરી છે. (અગ્રેજી શબ્દ Muggerનો અર્થ છે લુટેરા,ચોર, ડાકુ થાય છે)
મગરનું રેસ્ક્યુ કરનાર એક કર્મચારી જણાવ્યું કે “મગરને જોતા લોકોને ડર લાગતો હોય છે, પણ બરોડિયનોને નહીં. અહીંના લોકોને ચોમાસામાં ઘરની નજીક મગરોને તરતા જોવાની એટલી આદત પડી ગઈ છે કે હવે તેમને તેમાં રમૂજ દેખાઈ રહી છે. જ્યારે હું વડોદરામાં મગરોને બચાવવા જાઉં છું, ત્યારે લોકોને મગરની ખૂબ નજીક ઊભેલા જોઉં છું. તેમને હવે કોઈ ડર નથી.”