Vadodara માં રોગચાળો વકર્યો, શંકાસ્પદ ડેન્ગયૂથી મહિલાનું મોત…
અમદાવાદઃ વડોદરા(Vadodara)શહેરના વિવિધ વિસ્તારમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ કરાયેલા 38 વર્ષીય મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત થયું છે . જ્યારે કોલેરાના 6 શંકાસ્પદ કેસ પૈકી એક કેસ પોઝિટિવ નોંધાયો છે. ફતેગંજની 32 વર્ષીય મહિલાનો કોલેરાનો કેસ પોઝિટિવ આવ્યો છે.
મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત
વડોદરાના સમા વિસ્તારની 38 વર્ષીય મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત થયું છે. આ મહિલાને તાવ આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. મહિલામાં ડેન્ગયૂના શંકાસ્પદ લક્ષ્ણો પણ જોવા મળ્યા હતા. પરિવારજનોએ મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જ્યારે વડોદરામાં અત્યાર સુધી સરકારના ચોપડે 28 કોલેરાના કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ
શહેરમાં કોલેરાના કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને અટકાવવા માટે 28 હજારથી વધુ ઘરોમાં ફોગીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાથે મચ્છરના પોરા મળી આવતા બે કન્સ્ટ્રક્શન સાઈટને નોટિસ ફટકારવામાં આવી હતી.
કમળાના 178 કેસ, ટાઇફોઇડનાં 304 કેસ
બીજી તરફ ચાલુ માસમાં ઝાડા ઉલટીના 382 કેસ, કમળાના 178 કેસ, ટાઇફોઇડનાં 304 કેસ,કોલેરાનાં 16 કેસ નોંધાયા છે. વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે
ઉકાળેલુ પાણી પીવાની સલાહ
વડોદરા કોર્પોરેશને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજુ પણ સતત પડી રહ્યો છે જેના કારણે શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.