Vadodaraમાં પૈસા લઈ લીધા બાદ પઝેશન ન આપતા 160 લોકોએ બિલ્ડર સામે નોંધાવી છેતરપિંડીની ફરિયાદ

Vadodara : વડોદરામાં આજથી પાંચ વર્ષ પહેલા એક બિલ્ડરે લોકો પાસેથી રૂપિયા લઈને આજદિન સુધી મકાન કે દુકાનનું પઝેશન આપ્યું નથી. બિલ્ડર દ્વારા કરવામાં આવેલી આ છેતરપિંડીથી કંટાળીને 160થી વધુ લોકો પોલીસ ગોત્રી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે બિલ્ડર વિરુધ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં નહોતી આવી. આ દરમિયાન એક મહિલા બેભાન થઈ જતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અંતે પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ મળતી માહિતી મુજબ, વડોદરાના ગોત્રી વિસ્તારમાં કિશન એમ્બ્રોસિયા નામનો 6 ટાવરનો પ્રોજેક્ટ બની રહ્યો છે. તેમાં અનેક પરિવારોએ તેમની મૂડી રોકી હતી. પરંતુ બિલ્ડર દંપતી ભીખુ કોરિયા અને શિલ્પા કોરિયાએ 5 વર્ષથી રોકાણકારોને પઝેશન આપ્યું નહોતું. તો બીજી બાજુ લોકોએ 70 ટકા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં સાઇટનું કામ બંધ હોવાથી લોકોને છેતરાયા હોવાનો અહેસાસ થતાં 160 લોકો સાથે મળી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
ત્યારે પોલીસ ફરિયાદ લેવાનો ઇનકાર કરતાં લોકો રોષે ભરાયા હતા. લોકોએ પોલીસ વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મધ્યમવર્ગના લોકોએ તેમની જીવનમૂડીમાંથી રોકાણ કર્યું હોય અને જ્યારે તેમની છેતરપિંડી થયાના સમાચાર સાંભળીને એક મહિલા બેભાન થઈ જતાં તેમને 108 મારફતે સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે લોકોની વાતને સાંભળીને બિલ્ડર ભીખુ કિશન કોરિયા વિરુધ્ધ એફઆઇઆર દાખલ કરી હતી. હાલ બિલ્ડર ભીખુ કોરિયાની પોલીસે ધરપકડ કરી છે જ્યારે શિલ્પા કોરિયા હાલ પોલીસ પકડથી દૂર છે.