Vadodara Boat accident: FSLના અહેવાલમાં શું છે?

અમદાવાદઃ થોડા દિવસો પહેલા વડોદરાના હરણી તળાવ ખાતે બનેલી અત્યંત કરૂણ ઘટનાના ચોંકાવનારા અહેવાલો આવ્યા છે. આ ઘટનામાં વડોદરાની સનરાઈઝ સ્કૂલના 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકા બોટ ઉલટી વળી જવાથી મૃત્યુ પામી હોવાની ઘટના ઘટી હતી. આ ઘટના બાદ સિટની રચના કરવામાં આવી હતી. દરમિયાન ફોરેન્સિક લેબોરેટરીના અહેવાલો આવ્યા છે. આ અહેવાલો અનુસાર અકસ્માતનું મુખ્ય કારણ ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થી બોટમાં બેસાડવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
અહેવાલો અનુસાર હરણી બોટ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ એસઆઈટીને સોંપવામાં આવ્યો છે. જેમાં FSLના નિષ્ણાતોએ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ આપ્યો છે, જેમાં ક્ષમતા કરતા વધુ બાળકો બોટમાં બેસાડતા દુર્ઘટના સર્જાઇ હોવાનું તારણ આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
FSLની ટીમ દ્વારા ઘટના સ્થળે સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કરી તેનો પ્રાથમિક અહેવાલ એસઆઇટીને સુપ્રત કર્યો છે. આ ઘટના બાદ ઝડપાયેલા આરોપી પરેશ અને ગોપાલ તેમનાં ફોન અંગે માહિતી આપી રહ્યા ન હોવાનું જાણવા મળ્યું છે.
જોકે માત્ર વડોદરામાં જ નહીં ઘણી પર્યટન સાઈટ્સ પર બોટમાં ક્ષમતા કરતા વધારે લોકો બેસાડવામાં આવ્યાની ઘટનાઓ બહાર આવતી રહે છે. વડોદરાના બાળકો પિકનિક પર ગયા હતા અને અહીં તેમની સાથે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. દરેક પર્યટનના સ્થળે જતા પર્યટકોએ પણ સતર્કતા વર્તવાની જરૂર છે.