
Vadodara : વડોદરામાં હરણી લેક બોટ દુર્ઘટનામાં જે બાળકોએ જીવ ગુમાવ્યા હતા તેમના વાલીઓએ સુપ્રીમ કોર્ટમાં પિટીશન દાખલ કરી છે. આ અરજીમાં તેમણે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર, કલેક્ટર, સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્ય સામે યોગ્ય પગલા લેવાય તેવી માગ કરી છે.
આ ઘટનાની પોલીસ હજુ તપાસ કરી રહી છે, જો કે બિનઅનુભવી કંપનીને બોટિંગ સેવાનો કોન્ટ્રાક્ટ આપી દેવાને કારણે દુર્ઘટના સર્જાઇ હોવાનું બહાર આવતા વડોદરા મહાનગરપાલિકાની ભૂમિકા સામે પણ સવાલો ઉઠ્યા છે. તપાસમાં એવી પણ વિગતો બહાર આવી છે કે બોટિંગનું સંચાલન કરતી કંપનીએ ફક્ત પેડલ બોટની જ મંજૂરી આપી હતી તો એન્જિન બોટ કઇ રીતે તળાવમાં ચલાવવામાં આવી.
આ ઉપરાંત જો કલેક્ટરે NOC આપ્યું હતું જેને કારણે બોટિંગ આવા જોખમી સંજોગોમાં ચાલી રહ્યું હતું. અધિકારીઓની ગંભીર બેદરકારીને કારણે આ માનવસર્જિત દુર્ઘટના સર્જાઇ છે અને 14 લોકોના મોત થયા છે તેવો વાલીઓએ આક્ષેપ કર્યો હતો.
આ સાથે જ વાલીઓએ પિટીશનમાં જણાવ્યું હતું કે સ્કૂલના આચાર્ય તથા ટ્રસ્ટી સામે પણ બેદરકારી બદલ પગલા લેવામાં આવે. સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના નિરીક્ષણમાં SITની રચના કરી વડોદરાના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરને પક્ષકાર બનાવવામાં આવે, જેથી તેમની સામે પણ તપાસ થઇ શકે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત વડોદરાના કલેક્ટર જવાબદાર છે તેવું વકીલે જણાવ્યું હતું.