ગુજરાતમાં અધિકારી રાજ સામે ભાજપના જ ક્યા 12 ધારાસભ્યો ભડક્યા? શું કરી ફરિયાદ?

અમદાવાદઃ ગુજરાતના વહીવટી તંત્રમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો સંઘર્ષ હવે ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યોએ મુખ્ય પ્રધાનને કામ થતાં ન હોવાની ફરિયાદ અંગે પત્ર લખ્યો હતો. જોકે વડોદરાના ધારાસભ્યો ભાજપના જ 12 ધારાસભ્યો અધિકારી રાજ સામે ભડક્યા છે. જે તમામનો એક જ સૂર હતો કે સરકારી બાબુ ધારાસભ્યનું જ નહીં, મંત્રીનું પણ માનતા નથી.
આ ધારાસભ્યો ભડક્યા અધિકારી રાજ સામે
કુમાર કાનાણીઃ સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી કોઈને કોઈ બહાને અધિકારી રાજ સામે બાંયો ચઢાવતા રહે છે. તેમણે શહેરના મુખ્ય વિસ્તારો અને ઓવરબ્રિજની નીચે થયેલા ગેરકાયદે દબાણ અને ત્યાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. કાનાણી મુજબ 25 વર્ષથી શાસન પણ સરકારી જવાબો મળે છે, પરિણામ આવતું નથી.

હાર્દિક પટેલઃ ગુજરાતમાં એક સમયે પાટીદાર આંદોલન થકી ભાજપ સરકારના નાકમાં દમ લાવી દેનાર અને હાલ વિરમગામના ભાજપના જ ધારાસભ્ય હાર્દિક પટેલે ભાજપ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. હાર્દિક પટેલે વિરમગામ વિસ્તારમાં ગટરની સમસ્યાના નિરાકરણ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું છે કે જો તેનું ઝડપી નિરાકરણ નહી આવે તો ના છૂટકે તેમણે ઉપવાસ આંદોલનમાં જોડાવું પડશે.
યોગેશ પટેલઃ વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ પણ અધિકારી રાજ સામે ફરિયાદ કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, જિલ્લા કલેકટર કચેરીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે, સરકારનું નિયંત્રણ જ નથી.
જનક તળાવીયાઃ અમરેલીના દામનગરના ધારાસભ્ય જનક તળાવીયા પણ અધિકારી રાજની ફરિયાદ કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, દામનગર પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર જુગારધામ છતાં તંત્ર કામગીરી કરવાના બદલે તમાશો જોયા કરે છે.
મહેશ ભૂરિયાઃ અધિકારીઓ ધારાસભ્યોને ભાજીમૂળા સમજે છે.
અરવિંદ લાડાણીઃ માણાવદરમાં હરતી ફરતી ક્લબ, પોલીસ મહિને 70 હજારનો હપ્તો લે છે.
સંજય કોરડિયાઃ કોઈ અધિકારી કામ માટે રૂપિયા માંગે તો મારી પાસે આવજો.
કેતન ઈનામદારઃ વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે અધિકારી રાજને લઈ કહ્યું હતું કે, વિધવા બહેનોની જમીનમાં બોગસ ખેડૂતો ઘૂસ્યા છે છતાં તંત્ર તમાશો જુએ છે.
ડી કે સ્વામીઃ સ્થાનિક હોસ્પિટલમાં દર્દીઓને ગુણવત્તાસભર સારવાર જ મળતી નથી.
અમૂલ ભટ્ટઃ અમદાવાદના મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે ટ્રાફિક પોલીસ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરતી હોવાનું કહ્યું હતું.
મનુભાઈ પટેલઃ ગરીબ કારીગરો પાસે લૂંટારા દાદાગીરીથી રૂપિયા ઉઘરાવે છે, તંત્ર મૌન છે.
અભેસિંહ તડવીઃ સરકારી હોસ્પિટલમાં એક્સ રે મશીન ધૂળ ખાય છે, આરોગ્ય વિભાગ ડિંગો હાકે છે.
આ પણ વાંચો…અમદાવાદમાં ભાજપના કયા ધારાસભ્યએ નમો આવાસ યોજના બીજે ખસેડવા કરી માંગ?



