Gujarat Politics: વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે શું કરી વિવાદીત પોસ્ટ?
Vadodara News: ભાજપમાં સંગઠન પર્વ અંતર્ગત વોર્ડ પ્રમુખોની નિમણૂક બાદ શહેર પ્રમુખોના નામની જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે. જોકે કેટલાક વિરોધના કારણે જાહેરાત હજુ સુધી થઈ નથી. વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે શહેર પ્રમુખની વરણી અંગે વિવાદિત પોસ્ટ કરી હતી. તેમણે પોસ્ટમાં સ્વ માટે નહીં, વિકાસ માટે કાર્યરત રહે તેવા સર્વમાન્યની પસંદગી થાય તેમ લખી વર્તમાન ભાજપ પ્રમુખ વિજય શાહ પર કટાક્ષ કર્યો હતો.
યોગેશ પટેલે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, મહાકુંભ તરફ પ્રયાણપહેલા શ્રી શ્રીનાથજી મંગળા દર્શનવડોદરાના સૌ નગરજનોની સુખાકારી પ્રાર્થનાભાજપના અધ્યક્ષ તરીકે સર્વ વૈષ્ણવ જનને સર્વમાન્ય સર્વેના, નહિ કે સ્વના, વિકાસ માટે કાર્યરત રહે એવી યોગ્ય પ્રતિભાની પસંદગી થાય એવી અભ્યર્થના. તેમની આ પોસ્ટને લઈ વડોદરા શહેરમાં રાજકીય ગરમાવો આવ્યો છે. તેમની આ પોસ્ટ વર્તમાન શહેર ભાજપ પ્રમુખ વિજય શાહની કાર્યપદ્ધતિ પર કટાક્ષ કરતી હોવાનું માનવામાં આવે છે.
એક તરફ વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે વિજય શાહનું નામ અગ્રેસર છે ત્યારે બીજી તરફ તેમને હટાવવા જૂના જોગીઓ મેદાનમાં આવ્યા છે. શહેર પ્રમુખના નામની ગમે તે સમયે જાહેરાત થઈ શકે છે તેવા સમયે યોગેશ પટેલે કરેલી પોસ્ટ ચર્ચામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શહેર ભાજપ પ્રમુખ સામે પૂર્વ અને હાલના ધારાસભ્યો, પૂર્વ હોદ્દેદારોએ એક થઈ વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. જોકે પ્રદેશ સંગઠનની સમજાવટ બાદ હથિયાર હેઠા મૂક્યાં છે. શહેર પ્રમુખની સેન્સ પ્રક્રિયા દરમિયાન પણ વડોદરામાં હોબાળો થયો હતો.