વડોદરાના ભાજપના ઉમેદવાર હેમાંગ જોષીના હસ્તે MLA યોગેશ પટેલે ખેસ લેવાનું ટાળ્યું, વિડીયો વાયરલ
વડોદરામાં ભાજપે ઉમેદવાર બદલ્યા છે તેમ છતાં ભાજપના આંતરિક જૂથોમાં જ ઉકળતા ચરૂની સ્થિતિ જોવા મળી રહી છે. ભાજપે રંજનબેન ભટ્ટને ઉમેદવાર જાહેર કર્યાં, પરંતુ ભારે વિરોધના કારણે રંજનબેન ભટ્ટની જગ્યાએ હેમાંગ જોષીના નામની જાહેરાત કરી હતી, હવે તેમની સામે પણ સોશિયલ મીડિયામાં અને અંદરખાને વિરોધનો વંટોળ ઉભો થયો છે. આ દરમિયાન વડોદરાની માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલે હેમાંગ જોષીના હાથે ભાજપનો કેસરીયો ખેસ પહેરવાનો ઇન્કાર કરી દીધો જેના કારણે વિવાદ સર્જાયો છે.
વડોદરામાં ભાજપના સિનિયર ધારાસભ્ય (BJP MLA) યોગેશ પટેલે ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોષીના હસ્તે ખેસનું સન્માન લેવાનું ટાળ્યું હતું. ઓપન જીપમાં ડો. હેમાંગ જોષી ચૂંટણીની ફેરણી કરી રહ્યા હતા. તેવામાં સેંકડો લોકોની હાજરીમાં યોગેશ પટેલે ખેસનું સન્માન ટાળતા મામલો કાર્યકરોમાં ચર્ચા અને વિષય બન્યો હતો.
ભાજપે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર હેમાંગ જોષીએ આંતરિક વિખવાદ વચ્ચે તેમનું ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. ગઈ કાલે વોર્ડ નં-18માં ભાજપના ઉમેદવાર હેમાંગ જોષીની ચૂંટણી પ્રચાર રેલી યોજાઈ હતી. આ ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્ય યોગેશ પટેલે હેમાંગ જોષીના હસ્તે ભાજપનો ખેસ પહેરવાનો ઇન્કાર કર્યો હતો.
હેમાંગ જોષીના હાથે ભાજપનો કેસરીયો ખેસ ન પહેરવા બાબતે ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું હતું કે, મારે કશું કહેવાનું નથી. તો હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, આવી કોઇ બાબતની મને કોઇ જાણકારી નથી. કોઇ ચોક્કસ તત્વોએ આ વાત ઉપજાવી કાઢી લાગે છે. તમે જોઇ શકો છો કે લોકોમાં ખૂબ ઉત્સાહ છે.
ઉલ્લેખનિય છે કે, ધારાસભ્ય યોગેશ પટેલના આ વલણથી ભાજપના નવા જાહેર કરાયેલા ઉમેદવાર સામે નારાજગી હોવાની ચર્ચા શરૂ થઈ ગઇ છે. હેમાંગ જોષી મોડા આવતા યોગેશ પટેલ નારાજ થયા કે, પછી હેમાંગ જોષીનું નામ જાહેર કરવામાં આવતા યોગેશ પટેલની નારાજગી છે, તેની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પણ વડોદરા માંજલપુરની માત્ર એક બેઠક પર ઉમેદવાર અંગે આજે સવાર સુધી કશ્મકસ ચાલી હતી. આ બેઠક પર સીટિંગ MLA યોગેશ પટેલ ચૂંટણી લડવાની જીદ પકડીને બેઠા હતા. છેવટે ભાજપે 75 વર્ષથી વધુ ઉંમરના આગેવાન યોગેશ પટેલને માંજલપુર બેઠક પરજ પોતાના ઉમેદવાર જાહેર કરવા પડ્યા હતા.