તહેવાર ટાણે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: તંત્રમાં દોડધામ

વડોદરા: રાજ્યમાં નવરાત્રીનું મહાપર્વ ચાલી રહ્યું છે ત્યારે ફરી એકવાર શાંતિમાં ખલેલ પહોંચાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે, વડોદરા એરપોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળતા જ ખળભળાટ મચી ગયો છે. ધમકી ભર્યો ઈમેલ મળતા જ પોલીસ પણ દોડતી થઇ છે. હાલ એરપોર્ટની સુરક્ષા એજન્સી અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 4 ઓક્ટોબરે સવારના 11 વાગ્યાના અરસામાં એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઇએસએફના આઇડી પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા General Shiva General shiva 76rediffmail.com મેઇલ કર્યો હતો. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બોમ્બ અને ડોગ-સ્ક્વોડ દ્વારા ટર્મિનલ વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું, પરંતુ કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી નહોતી.
ધમકી ભર્યો ઈમેલ મળતાંની સાથે જ વડોદરા એરપોર્ટ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. સ્થાનિક પોલીસ સ્ટાફના માણસોને બંદોબસ્તમાં તાત્કાલિક ગોઠવી દેવામાં આવ્યા હતા. સાથે જ બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા હરણી એરપોર્ટના સંકુલ ઉપરાંત તેની આજુબાજુ ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ આ જગ્યાઓ પરથી કોઈ બોમ્બ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી નહોતી. પોલીસ દ્વારા જે ઇ-મેઇલ પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો હતો એની તપાસ શરૂ કરાઈ છે