વડોદરામાં કાર-કન્ટેનર વચ્ચે અકસ્માતઃ કાર સેન્ડવિચ થઈ છતાં ચાર લોકોનો ચમત્કારિક બચાવ

વડોદરાઃ અમદાવાદ-વડોદરા હાઇવે પર અકસ્માતની ઘટના બની છે, જેમાં કપુરાઇ ચોકડી પાસે મોડીરાત્રે શહેર પાસેથી પસાર થતાં હાઇવે પર કાર પર આખેઆખું કન્ટેનર કાર પર ચડી જતાં કાર સેન્ડવિચ બની ગઈ હતી અને ચારમાંથી ત્રણ લોકો ફસાઈ ગયા હતા. ઘટનાના પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને બાદમાં ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી કારમાં ફસાયેલા ત્રણ લોકોને રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં ટ્રસ્ટ ચલાવતા અજય ખેની, તુષાર અને સંદીપ સહિત ચાર લોકો ટ્રસ્ટના કામથી કાર લઇ સુરતથી અમદાવાદ જઈ રહ્યા હતા. દરમિયાન વડોદરાની કપુરાઇ ચોકડી પાસે એક કન્ટેનર ચાલકે કારને ઓવરટેક કરવા જતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર પલટી મારીને કાર પર પડ્યું હતું. જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દરમિયાન આ બનાવમાં એક વ્યક્તિ બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. જ્યારે ત્રણ લોકો કારમાં ફસાઇ ગયા હતા.
આ પણ વાંચો વકફ બિલ પાસ કરાવવા સરકાર કરી રહી છે તૈયારી? વડાપ્રધાને ભાષણમાં આપ્યા સંકેત….
અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. બનાવ અંગે ફાયર વિભાગ, કપુરાઈ પોલીસ અને 108ની ટીમને જાણ કરવામાં આવતા ફાયર, પોલીસ અને 108ની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. કારમાં ફસાયેલા અજય ખેની, તુષાર અને સંદીપને રેસ્ક્યૂ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. કારમાં ફસાયેલા ત્રણ લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગે જેસીબીની મદદ લીધી હતી.