ચોમાસાની ઋતુમાં રોગચાળાથી રક્ષણ આપવા 1.54 કરોડ પશુઓનું રસીકરણ: ઋષિકેશભાઈ પટેલ

ગુજરાતમાં ચોમાસાનું પૂર બહારમાં આગમન થઈ ચૂક્યું છે.રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદના મંડાણ થઈ ગયા છે. દરવર્ષની જેમ આ વખતે પણ ચોમાસુ પૂરબહાર માં રહેવાની સંભાવનાઓ છે ત્યારે સરકારે. અબોલ અને મૂંગા પશુઓની ચીકીત્સા સાથે તેમના રસિકરણની પણ ઝૂંબેશ ઉપાડી છે. રાજ્ય સરકારે ચોમાસાની ઋતુમાં પશુઓને રોગચાળાની અસરથી મુક્ત રાખવા 1.54 કરોડ પશુઓનું રસીકરણ કરી નાખ્યું છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકારની 100 ટકા સહાયથી રાજ્યમાં “નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” અમલમાં છે. આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યના પશુઓને ખરવા-મોવાસા, બૃસેલ્લોસિસ (ચેપી ગર્ભપાત), લમ્પી સ્કીન ડીસીઝ, ગળસૂંઢો અને ઘેટાં બકરાંમાં પી.પી.આર જેવા રોગ સામે રસીકરણ કરી રક્ષિત કરવામાં આવે છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 5.53 લાખ પશુઓનું બૃસેલ્લોસિસ રસીકરણ, 62 લાખ પશુઓનું લમ્પી સ્કીન ડીસીઝ સામે રસીકરણ, 44 લાખ ઘેટાં-બકરાંનું પી.પી.આર. રોગ સામે રક્ષિત કરવા રસીકરણ, 1.66 લાખ પશુઓને ગળસૂંઢો માટેની રસી તથા1.54 કરોડ પશુઓને ખરવા-મોવાસા રસીકરણ કરાયું છે.
આ ઉપરાંત ઈયર ટેગીંગ દ્વારા પશુધનને આગવી ઓળખ આપવાની કામગીરીમાં ગુજરાત રાજ્ય અવ્વલ છે. અત્યાર સુધીમાં 2.46 કરોડ મોટા પશુઓ અને 11 લાખ ઘેટાં-બકરા મળીને કુલ 2.57 કરોડ પશુઓનું ઈયર ટેગિંગ કરીને ઓળખ આપવામાં આવી છે તેમ પણ તેમ તેમણે ઉમેર્યું હતુ.