આપણું ગુજરાત

ઉતરાયણ બની જીવલેણ! હાલોલમાં પાંચ વર્ષના બાળકનું મોત, સુરતમાં બે લોકોના ગળા કપાયાં

અમદાવાદ: ઉલ્લાસનું પર્વ ઉતરાયણ ઘણા લોકો માટે ઘાતક બની રહી છે. દરવર્ષે ઉત્તરાયણના પર્વની મજા સમાન પતંગનો દોરો ઘણા માટે જીવલેણ સાબિત થાય છે. આ વર્ષે પંચમહાલ હાલોલમાં પતંગની દોરી પાંચ વર્ષના માસૂમ બાળકના મોતનું કારણ બની છે. પિતા પાંચ વર્ષીય પુત્રને બાઇક પર લઈને નીકળ્યા હતા આ દરમિયાન અચાનક પતંગની દોરી આવી જતા બાળકનું ગળું કપાઈ ગયું હતું.

ફુગ્ગો લેવા જતાં બાળકનું ગળું કપાયું
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના હાલોલમાં પતંગની દોરીને કારણે પાંચ વર્ષીય માસુમ બાળકનું મોત થયું હતું. હાલોલના રાહ તળાવ ગામમાં પિતા પાંચ વર્ષના બાળકને ફુગ્ગા અપાવવા માટે બાઇક પર નીકળ્યા હતા. આ દરમિયાન પનોરમા ચાર રસ્તા તરફ જતા અચાનક જ પતંગ દોરી આવી જતા બાળકનું ગળું કપાઈ ગયું હતું અને બાળકને ગંભીર ઇજા પહોંચી હતી.

સારવાર દરમિયાન બાળકનું મોત
ત્યારબાદ ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હાલોલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. અકાળે માસુમ બાળકના મોતથી પરિવારજનોમાં શોક છવાય ગયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આક્રંદ કરી મૂક્યું હતું. ઘટના અંગે હાલોલ શહેર પોલીસને જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Video: અમિત શાહે અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવ્યો; જગન્નાથના દર્શન કર્યા…

સુરતમાં બે લોકોના ગળા કપાયા
ગઇકાલે પતંગની દોરીના લીધે ઇજા પહોંચી હોવાના બે બનાવો સુરતમાં બન્યા હતા. સુરતના ઉધના દરવાજાથી પાંડેસરા જઈ રહેલા બાઈકચાલક યુવકને ગળામાં પતંગની દોરી ફસાતા ગળું કપાયું હતું. યુવક પોતાની માતાને બાઈક ઉપર બેસાડીને જઈ રહ્યો હતો. આ દરમિયાન પતંગની કાતિલ દોરીથી ગળું કપાયું હતુ. દીકરાને ગળાના ભાગે તો માતાને આંખના ભાગે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. અન્ય એક બનાવમાં સિક્યોરિટી ગાર્ડ બાઈક લઈને જતા હતા, તે સમયે દોરીથી ગળું કપાઈ ગયું હતું. દોરીથી ગળાની એક નસ પણ કપાઈ જતાં તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button