ઉત્તરાયણ પહેલા અમદાવાદ પોલીસે ચાઇનીઝ માંઝાની 5000 ‘Made in Gujarat’ ફિરકી જપ્ત કરી
અમદાવાદ: પ્રતિબંધ છતાં દર વર્ષે ઉત્તરાયણ પહેલા ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઘાતક ચાઈનીઝ માંઝો પકડાય છે. આ વર્ષે ઉત્તરાયણ પહેલા અમદવાદ પોલીસે ચાઇનીઝ માંઝા અને ગ્લાસ કોટેડ માંઝા સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. અમદવાદ જિલ્લા પોલીસે શનિવારે 5,000 જેટલી ચાઈનીઝ માંઝાની ફિરકી જપ્ત કરી, અને ઘણા આરોપીઓની ધરપકડ કરી હતી. જેની તપાસમાં ખુલાસો થયો છે કે આ પ્રતિબંધિત માંઝાનું ઉત્પાદન ચીનમાં નહીં, પરંતુ ગુજરાતની જીઆઈડીસીની એક ફેક્ટરીમાં કરવામાં આવ્યું હતું.
પોલીસ હજુ સુધી ગેરકાયદેસર ચાઈનીઝ માંઝાના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા મુખ્ય આરોપીઓને પકડી શકી નથી. પ્રાથમિક પૂછપરછમાં જાણવામાં મળ્યું કે કારખાનાના માલિકોએ દિવાળી દરમિયાન ઉત્તરાયણની માંગનો લાભ લેવા માટે ઘાતક માંઝાનું ઉત્પાદન વધાર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટીક કોર્ડ, જેને સામાન્ય રીતે ચાઈનીઝ થ્રેડ તરીકે ઓળખવામાં આવે છે, તેનું ઉત્પાદન વાપીની જીઆઈડીસીમાં થાય છે.
ચીનથી આયાત થતા પ્લાસ્ટિક કોર્ડ પર પ્રતિબંધ છે ત્યારે આવા ઘાતક માંઝાનું ઉત્પાદન ગુજરાતની જીઆઈડીસીમાં જ થઇ રહ્યું છે. જેને ખરીદીને, તેની ફિરકી બનાવી, તેના પર નકલી સ્ટીકર લગાવીને વેચવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો હતો. ચાઇનીઝ માઝા તરીકે ઓળખાતો પ્લાસ્ટિક કોર્ડ નાયલોન અને મેટાલિક પાવડરની બનેલો હોય છે, જેને કાપવો મુશ્કેલ હોય છે. આ મટીરીયલ માછીમારી માટેની જાળ જેવી વિવિધ વસ્તુઓ બનવવા માટે વપરાય છે.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલી જીઆઈડીસીમાં પ્લાસ્ટિક કોર્ડસનું ઉત્પાદન થતું હોય છે જેને સામાન્ય રીતે ફિશિંગ નેટ બનાવતા એકમો ખરીદતા હોય છે, પરંતુ ઉત્તરાયણ વખતે લાભ કમાવવા કેટલાક વેપારીઓ તેનું ગેરકાયદે વેચાણ કરે છે.