ઈડર-ભિલોડા હાઈવે પર ટ્રીપલ અકસ્માત, એક જ ફળીયામાં રહેતા ચાર યુવાનોના મોત

સાબરકાંઠાઃ ઈડર-ભિલોડા નેશનલ હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત થયો હતો. રીક્ષા અને કાર વચ્ચેની ટક્કરમાં કુલ ચાર લોકોના મૃત્યુ થયા હતા. ઈકો ગાડી, રીક્ષા અને બુલેટ વચ્ચે થયેલા આ ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં ઈડર ભોઈવાડા વિસ્તારના એક જ ફળિયામાં રહેતા ચાર યુવાનોના કરૂણ મોત નિપજતાં સમગ્ર ભોઈ સમાજમાં ભારે શોક અને દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી.
આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની લાપરવાહી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. આ જીવલેણ અકસ્માત પાછળનું મુખ્ય કારણ હાઇવેનું અધૂરું અને ધીમી ગતિએ ચાલતું કામ હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો. રોડનું કામ સંભાળતા કોન્ટ્રાક્ટરની ધીમી અને બેદરકારીભરી કામગીરીને કારણે હાઇવે પર ઠેરઠેર અવ્યવસ્થા છે, જેના પરિણામે વારંવાર અકસ્માતો સર્જાતા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિકોએ આ અંગે અગાઉ અનેક વખત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કામગીરીમાં કોઈ ઝડપ આવી નથી.
મૃતક ચારેય યુવાન મજૂરીકામ પૂર્ણ કરીને રાત્રે રીક્ષામાં સવાર થઈને પોતાના ઘરે ઈડર તરફ પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન, રેવાસ ગામ પાસે સમાજવાડી નજીક એક કાર ચાલકે ગફલતભરી રીતે અને પૂરપાટ ઝડપે આવીને રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ ભયાનક અકસ્માતમાં રીક્ષામાં સવાર ચાર પૈકી બે લોકોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. ગંભીર રીતે ઘવાયેલા અન્ય બે લોકોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન બંનેનું મોત તયું હતું. એક જ દુર્ઘટનામાં એક જ ફળિયાના ચાર યુવાનના મોત થતાં ચકચાર મચી ગઈ હતી.
આપણ વાંચો: અમદાવાદમાં 2300 લોકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ, આજીવન રદનો ખતરો!



