પાણીદાર ગામ! ગુજરાતના આ ગામે પાણીની સમસ્યાના અંત સાથે મેળવ્યા ૬ રાષ્ટ્રીય પુરસ્કાર | મુંબઈ સમાચાર
સાબરકાંઠા

પાણીદાર ગામ! ગુજરાતના આ ગામે પાણીની સમસ્યાના અંત સાથે મેળવ્યા ૬ રાષ્ટ્રીય પુરસ્કાર

પ્રાંતિજ: ગામડું એટલે પાણીની અછત ભોગવતો વિસ્તાર એવી એક સર્વસામાન્ય કલ્પના આપણાં મનમાં ચોક્કસ ઉઠે છે, પરંતુ ગુજરાતના જ એક ગામે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલું તખતગઢ ગામ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આશરે ૧૫૦૦ની વસ્તી અને ૩૦૦ ઘરો ધરાવતા આ ગામે પાણીની અછતમાંથી ૨૪x૭ સુવિધા સુધીની સફર કરી છે.

પાણીની અછતમાંથી ૨૪x૭ સુવિધા સુધીની સફર

અગાઉ આ ગામમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની ગંભીર તંગી વર્તાતી હતી. માત્ર બે કલાક પાણી વિતરણ થતું હોવાથી ગામના છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચતું ન હતું, જેના કારણે મહિલાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (WASMO) દ્વારા યોજાયેલી તાલીમ અને જનજાગૃતિ કાર્યક્રમોના પરિણામે ગ્રામજનોએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો હતો.

લોકભાગીદારી અને ટેકનોલોજીનો સુભગ સમન્વય

ગામની પાણી સમિતિ, ગ્રામ પંચાયત અને WASMO ના સહયોગથી ગામમાં દરેક ઘરમાં મીટર સાથે ૨૪x૭ પાણી વિતરણ વ્યવસ્થા લાગુ કરવામાં આવી. આ માટે લોકફાળો એકત્ર કરીને પાણીની ટાંકી, સંપ અને પાઇપલાઇન નાખવામાં આવી હતી. આ યોજનાને ટકાવી રાખવા માટે પ્રતિ હજાર લિટર પાણી માટે માત્ર ૧ રૂપિયો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા મીટર રીડિંગ લઈને બિલ મોકલવામાં આવે છે અને વાર્ષિક બિલ સરેરાશ રૂા.૩૦૦ થી ૩૫૦ જેટલું આવે છે.

ડિજિટલ પેમેન્ટ અને એવોર્ડ વિજેતા ગામ

સૌથી પ્રશંસનીય બાબત એ છે કે પાણી સમિતિએ ચુકવણી સરળ બનાવવા માટે QR કોડની વ્યવસ્થા કરી છે, જેના કારણે ૯૦ ટકાથી વધુ ગ્રામજનો ડિજિટલ માધ્યમથી પાણીવેરો ભરે છે. પાણીના ઉત્તમ વ્યવસ્થાપન ઉપરાંત, આ ગામે સ્વચ્છતા, જળ સંચય અને કૃષિ વિકાસ જેવા ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર કામગીરી કરી છે. કેન્દ્ર સરકારના ‘કેચ ધ રેઇન’ અભિયાનને અનુસરીને, ગામના ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ટાંકા બનાવવામાં આવી રહ્યા છે.

આ અસાધારણ કામગીરી બદલ તખતગઢ ગામને અત્યાર સુધીમાં કુલ ૬ પુરસ્કારો મળ્યા છે, જેમાં ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’, ‘શ્રેષ્ઠ ગ્રામ પંચાયત’, અને ‘નિર્મળ ગ્રામ પુરસ્કાર’નો સમાવેશ થાય છે. આ સિદ્ધિઓ અન્ય ગામો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે.

આ પણ વાંચો…અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ! જાણો કયા જિલ્લામાં વરસાદની આગાહી ?

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button