સાબરકાંઠાના સલાલ ગામે નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ચાર આરોપીની ધરપકડ…

પ્રાંતિજ: ગુજરાતના સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ ગામમાં માનવ સ્વાસ્થ્યને હાનિકારક બનાવટી દૂધ તૈયાર કરીને પેકિંગ કરીને બજારમાં વેચવામાં આવતુ હતુ. એલસીબી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ સાથે રાખી દરોડો પાડ્યો હતો. આરોગ્ય માટે અતિ જોખમી એવા ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી બનાવવામાં આવતા કૃત્રિમ દૂધ, બનાવટી દૂધ બનાવવાનો કાચો માલસામાન અને મશીનરી સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. એલસીબીએ દરોડો પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
સત્યા ડેરી પ્રોડક્ટ ફેક્ટરીના સંચાલકો સામે ગુનો
એક સગીર પણ નકલી દૂધના ખેલમાં સામેલ હોવાથી તેની સામે જુવેનાઈલ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે સત્યા ડેરી પ્રોડક્ટ ફેક્ટરીના સંચાલકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે મુખ્ય આરોપી ધમો ઉર્ફે રાકેશ પટેલ દરોડો પડતા ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
સલાલ ગામે દરોડા પાડ્યા હતા
મળતી માહિતી મુજબ, સાબરકાંઠાના પ્રાંતિજની એલસીબી પોલીસે, બાતમીના આધારે સલાલ ગામે દરોડા પાડ્યા હતા.દરોડા દરમિયાન, ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. ફેકટરીમાંથી બનાવટી આરોગ્ય માટે જોખમી એવુ કૃત્રિમ દૂઘ બનાવવા માટે વપરાતો ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતર સાથે પામોલીન તેલ, સોયાબીન તેલ, કોસ્ટીક સોડા અને દૂધ પાવડરનો જથ્થો ઝડપાયો હતો. આરોપીઓ બનાવટી દૂધ બનાવવા માટે ડિટર્જન્ટ પાઉડર, યુરિયા ખાતર સાથે પામોલીન તેલ, સોયાબીન તેલ, કોસ્ટીક સોડા અને દૂધના પાવડરનો ઉપયોગ કરતા હતા.



