સાબર ડેરી વિવાદ અપડેટઃ ચેરમેને ભાવફેરને લઈ કરી મોટી જાહેરાત?

હિંમતનગરઃ છેલ્લા બે દિવસથી સાબરકાંઠાની સાબર ડેરીમાં પશુપાલકો ભાવ ફેર મુદ્દે આંદોલન કરી રહ્યાં છે. ગઈકાલે આ આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું હતું. પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતાં. સમગ્ર આંદોલનમાં ઈડરના એક પશુપાલકનું મોત થતાં પશુપાલકોમાં રોષ વધી રહ્યો છે. સાબર ડેરીના ચેરમેન અને એમડીને ગાંધીનગર બોલાવીને સમગ્ર બાબતે ખુલાસો માંગવામાં આવ્યો છે. આ દરમિયાન મળતી વિગત પ્રમાણે, ડેરીના ચેરમેને આગામી સભામાં ભાવ ફેરની જાહેરાત કરવામાં આવશે તેમ કહ્યું હતું.
સાબર ડેરીમાં ઘર્ષણ મામલે પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સહિત 74 લોકો વિરુદ્ધમાં નામજોગ અને એક હજાર લોકોના ટોળા સામે એફઆઈઆર નોંધાવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે 47 શખ્સોની અટકાયત કરી હતી. બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ પર લોકોને ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સાબર ડેરીના ચેરમેન અને ડિરેક્ટરોએ ઓછો નફો ચૂકવી પશુપાલકો સાથે છેતરપિંડી કરી હોવાને લઈને જશુ પટેલ અને ધર્મેન્દ્રસિંહે સોશિયલ મીડિયા મેસેજ ફેલાવ્યા હતા. જેને લઈ મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરી ખાતે એકઠા થયા હતા.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પશુપાલકોની એવી ફરિયાદ હતી કે, અમને ગયા વર્ષ કરતાં પણ ઓછા પૈસા ચૂકવાયા છે. પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ દેખાવોમાં જોડાયા હતા. સાબર ડેરી સામે જ પશુપાલકોએ નારેબાજી શરુ કરી હતી જેના લીધે સ્થિતિ વણસી હતી.