ટોપ ન્યૂઝસાબરકાંઠા

સાબર ડેરી ભાવફેર વિવાદ: પશુપાલકોનો ઉગ્ર વિરોધ, તોડફોડ અને હાઈવે ચક્કાજામ…

હિંમતનગર: સાબર ડેરીમાં દૂધના ભાવમાં ફેરફાર સામે હજારો પશુપાલકોએ આજે ડેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યારે તેનો વિરોધ હિંસક બન્યું ત્યારે પરિસ્થિતિ વણસી હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકો ડેરીમાં દૂધના ભાવમાં ફેરાફાર અંગેનો વિરોધ કરવા એકઠા થયા હતાં અને આ દરમિયાન પરિસ્થિતિ તંગ બની ગઈ હતી અને ઉગ્ર બનેલા પશુપાલકોએ ડેરીની દીવાલની ગ્રીલ તોડી હતી અને મુખ્ય દરવાજાના CCTV કેમેરા પણ તોડી પાડ્યા હતાં.

પશુપાલકોએ ડેરીની દીવાલની ગ્રીલ તોડી
મળતી વિગતો અનુસાર સાબર ડેરીમાં દૂધના ભાવફેર સામે પશુપાલકો રજૂઆત કરવા માટે ડેરીએ પહોંચ્યા હતાં અને આ દરમિયાન ડેરીના મુખ્ય ગેટને બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટાફ દ્વારા પશુપાલકોને અંદર જતાં રોકવામાં આવ્યા હતાં. રજૂઆત કરવામાં આવી હોવા છતાં પશુપાલકોને રોકવામાં આવતા પશુપાલકો ઉશ્કેરાઈ ગયા ગયા હતાં. પશુપાલકોએ ડેરીની દીવાલની ગ્રીલ તોડી હતી અને મુખ્ય ગેટના CCTV પણ તોડી પાડ્યા હતાં. જો કે આ દરમિયાન અમુક પશુપાલકોને પણ ઈજા પહોંચી હોવાના અહેવાલ છે.

શા માટે થઇ રહ્યો છે વિરોધ?
પશુપાલકોનો આ વિરોધ સાબર ડેરીના ભાવફેરના નિર્ણયને લઈને છે. ડેરી દ્વારા ચાલુ વર્ષે માત્ર દસથી બાર ટકા જેટલો જ ભાવફેર ચૂકવ્યો છે, જેની સામે પશુપાલકો વીસથી 25 ટકા જેટલો ભાવફેર ચુકવવાની માંગ કરી રહ્યા છે. આ જ માંગણીને લઈને પશુપાલકો પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતાં અને આ દરમિયાન ડેરી દ્વારા બાઉન્સર્સ ઊભા કરવામાં આવ્યા હોવાથી પશુપાલકો ઉશ્કેરાઈ ગયા હતાં.

ચાલુ વર્ષે ભાવફેર વધારો ઘટાડાયો
પશુપાલકોએ આરોપ કર્યો છે કે સાબર ડેરીએ ગતવર્ષે વધારા પેટે 602 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જેના કારણે દૂધ ઉત્પાદકોને 17 ટકાથી વધુ ભાવ વધારો મળ્યો હતો. પરંતુ ચાલુ વર્ષે આ આંકડો ઘટાડીને માત્ર 500 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યો હતો, જેના પરિણામે ભાવ વધારો ઘટીને 9.75 ટકા જેટલો જ રહ્યો છે. આથી અચાનક જ દૂધના ભાવફેરમાં ઘટાડો કરવામાં આવતા પશુપાલકોમાં રોષ વ્યાપ્યો છે.

હિંમતનગર-અમદાવાદ હાઈ-વે ચક્કાજામ
પોલીસ સાથે ઘર્ષણ બાદ પશુપાલકોએ નેશનલ હાઇ-વે કર્યો બંધસાબર ડેરી દૂધ ભાવફેર મામલે પશુપાલકોએ પથ્થરમારો કર્યો હતો આ પથ્થરમારામાં આઠ જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. પશુપાલકોએ પથ્થર મારા તોડફોડ બાદ હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હતો ત્યારે ટોળાને નિયંત્રણમાં લેવા પોલીસની કાર્યવાહી યથાવત જોવા મળી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button