પશુપાલકો સામે ઝૂકી સાબર ડેરી, દૂધનો ભાવ ફેર આપવાનો નિર્ણય લીધો…

હિંમતનગરઃ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી બનાસ ડેરીના પશુપાલકો ભાવ ફેરને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આખરે પશુપાલકોની માગ સામે સાબર ડેરીને ઝુકવું પડ્યું હતું. પશુપાલકોની માગ પ્રમાણે સાબર ડેરીએ દૂધનો ભાવ ફેર 990 પ્રમાણે કરી આપવાનો નિર્ણય લીધો હતો. આ વખતે પણ ગત વર્ષ જેટલો જ ભાવ ફેર મળશે. પશુપાલકોને સાબર ડેરી દ્વારા 30 રૂપિયા ભાવ ફેર પહેલાથી ચૂકવાયેલો છે અને વધુ ત્રીસ રૂપિયા હવે ચૂકવવામાં આવશે. આ અંગે સાબર ડેરીના ચેરમેન અને પશુપાલકો વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં આ ભાવફેર આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો.
પશુપાલકો અને ચેરમેન વચ્ચેની આ બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને સાબર ડેરીના વાઈસ ચેરમેન તેમજ સ્થાનિક ડિરેક્ટર હાજર રહ્યા હતા. દૂધ મંડળીમાં દૂધ શરૂ કરવા સહિત થયેલા કેસ મામલે બેઠકમાં રજૂઆત થઈ હતી. પશુપાલકો દ્વારા સંવાદ સાથે પારદર્શક વહીવટ કરવા માટે રજૂઆત કરી હતી.
સાબર ડેરીમાં પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતાં. સમગ્ર આંદોલનમાં ઈડરના એક પશુપાલકનું મોત થતાં પશુપાલકોમાં રોષે ભરાયા હતા.
સાબર ડેરીમાં ઘર્ષણ મામલે પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સહિત 74 લોકો વિરુદ્ધમાં નામજોગ અને એક હજાર લોકોના ટોળા સામે એફઆઈઆર નોંધાવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે 47 શખ્સોની અટકાયત કરી હતી. બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ પર લોકોને ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સાબર ડેરીના ચેરમેન અને ડિરેક્ટરોએ ઓછો નફો ચૂકવી પશુપાલકો સાથે છેતરપિંડી કરી હોવાને લઈને જશુ પટેલ અને ધર્મેન્દ્રસિંહે સોશિયલ મીડિયા મેસેજ ફેલાવ્યા હતા. જેને લઈ મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરી ખાતે એકઠા થયા હતા.