ના વરઘોડો, ના ડીજે, ના કરિયાવર: વધતી મોંઘવારી સામે રબારી સમાજે રચ્યું નવું સામાજિક બંધારણ | મુંબઈ સમાચાર
સાબરકાંઠા

ના વરઘોડો, ના ડીજે, ના કરિયાવર: વધતી મોંઘવારી સામે રબારી સમાજે રચ્યું નવું સામાજિક બંધારણ

હિંમતનગર: સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના રબારી સમાજ દ્વારા સામાજિક બંધારણ બનાવી સમાજમાં કુરિવાજો પર અંકુશ લાવી અનેક રિવાજો પર પ્રતિબંધ લગાવ્યા છે. સાબરકાંઠા અરવલ્લી રબારી સમાજ દ્વારા મહા પરિષદ 2025 દ્વારા સગાઈ, ચાંલ્લા, લગ્ન, સીમંત, ડિલિવરી, દવાખાના, હોસ્પિટલ સહિતના અનેક રિવાજોને તિલાંજલિ આપવા માટે હાકલ કરી છે. જે અન્ય સમાજ માટે પ્રેરણારૂપ છે.

સાબરકાંઠા-અરવલ્લી રબારી સમાજ સામાજિક બંધારણની પ્રસ્તાવનામાં જણાવવામાં આવ્યું છે કે આજનો સમય ઘણો કપરો અને મુશ્કેલ છે તેમજ આવનારો સમય વધુ કપરો બની શકે છે. એકતરફ વધી રહેલી મોંઘવારીની સામે આવક ઓછી થતી જઇ રહી છે, તો બીજી તરફ અમુક કુરિવાજોને કારણે ખર્ચાઓ ખૂબ જ વધી રહ્યા છે, સમાજના લોકો લોન, દેવા, વ્યાજના ડુંગરના દબાઈ રહ્યા છે. વળી મોટી પહેરામણી સહિતના રિવાજો સમાજમાં મનદુઃખ ઊભા કરે છે ત્યારે આ બધાના નિરાકરણ માટે સાબરકાંઠા-અરવલ્લી રબારી સમાજ દ્વારા સામાજિક સુધારાઓ સ્વીકારવામાં આવ્યા છે.

લગ્નમાં વરઘોડો કાઢવો નહિ, ડીજે લાવવું નહીં, કલાકાર બોલાવવો નહિ, જમાઈને ડીજે લાવવા દેવું નહિ અને વરઘોડો કાઢવા દેવો નહિ, તે ઉપરાંત મહેંદી રસમ, હલ્દી રસમ, પ્રિ-વેડિંગ ફોટોશૂટ, કલાકાર ડીજે સાથેના રાસ ગરબા જેવા વધારાના કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેને સ્થાને સાદા ઢોલ, શરણાઈ અથવા કેસેટથી ગીત વગાડી શકાશે. વળી કરિયાવર આપવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છોકરાવાળાએ વધુમાં વધુ પાંચ તોલાની મર્યાદામાં જ ઘરેણાં આપવા તેમજ દીકરીપક્ષેથી પણ આ જ મર્યાદામાં માંગવાનું રહેશે. તે ઉપરાંત લગ્નની કંકોત્રી સાદી જ છાપવાની રહેશે તેમજ શક્ય હોઇ ત્યાં સુધી ડિજિટલ કંકોત્રી મોકલવાની રહેશે.

સગાઈના પ્રસંગમાં 11 કે 25થી વધુએ જવું નહીં, ચાંદીનો રૂપિયો નહિ લેવો, સગાઈમાં દીકરાના પિતાએ માત્ર 11 રૂપિયા જ આપવા, માત્ર બે જોડી જ કપડાં આપવા અન્ય કોઇ પેકિંગ, છાબડીઓ આપવા નહિ, પહેરામણીમાં વેવાઈને 3100, મોસાળપક્ષને 1100, બીજા સગા માટે 200થી વધુની પહેરામણી આપવી નહિ તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાંલ્લો માત્ર જાનની સાથે જ લઈ જવો, અને આ સમયે વધુમાં વધુ બે તોલાના સોનાનું ઘરેણું જ આપવું તેવો સુધારો કરવામાં આવ્યો છે.

તે ઉપરાંત સીમંતના બેબીશોવરને બદલે માત્ર ઘરના સભ્યોની હાજરીમાં જ સાદી રીતે જ ખોળો ભરવાની વિધિ કરવાની રહેશે. તે ઉપરાંત બાળકના જન્મ સમયે પણ બાળક માટે બે જોડી કપડાં તેમજ 500 રૂ. આપવાના રહેશે. દવાખાને આવનારને કોઇ જમણવાર કરવો નહિ અને બાળકના જન્મ સમયે ઘરેણાં આપવા નહિ. મરણ પ્રસંગે માત્ર નજીકના જ સગાઓની હાજરી ફરજિયાત રાખવા જેવા અનેક સામાજિક સુધારાઓનો અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…હસતાં મોઢે દીકરાનું દાન; ગીર ગઢડામાં રબારી સમાજે વડવાળા દેવને અર્પણ કર્યો દીકરો…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button