સાબરકાંઠા

ગજબ ! ગુજરાતના સાબરકાંઠામાં 12 હજારના પગારદારને આવકવેરા વિભાગની 36 કરોડની નોટિસ…

અમદાવાદ : ગુજરાતમા આવકવેરા વિભાગે એક વ્યક્તિને આશ્ચર્ય ઉપજાવે તેવી નોટિસ પાઠવી છે. જેમાં આવક વેરા વિભાગે સાબરકાંઠા જિલ્લાના રતનપુર ગામમાં રહેતા એક વ્યક્તિને 36 કરોડના વ્યવહાર અંગે સ્પષ્ટતા કરવા નોટિસ પાઠવી છે. જીતેશકુમાર મકવાણા નામની આ વ્યક્તિની આવક માસિક 12,000 રૂપિયા છે. તે એક ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીમાં ઓફિસ બોય તરીકે કામ કરે છે. જીતેશકુમાર મકવાણાએ જણાવ્યું હતું કે તેમની આવક એટલી ઓછી છે કે તેઓ આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકતા નથી.

મારા બેંક ખાતામાં ફક્ત 12 રૂપિયા છે
તેમણે વધુમા જણાવ્યું હતું કે જ્યારે મેં 36 કરોડ રૂપિયાની નોટિસ જોઈ ત્યારે મને આઘાત લાગ્યો. હું કાગળ તરફ જોતો રહ્યો અને તેનો અર્થ સમજવાનો પ્રયાસ કરતો રહ્યો. મારા બેંક ખાતામાં ફક્ત 12 રૂપિયા છે. તેમણે કહ્યું કે નોટિસ મળ્યા પછી તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. જેણે તેમને સાયબર ક્રાઈમ યુનિટમાં રિફર કર્યા. યુનિટે મને આવકવેરા કચેરીમાં મોકલ્યો. જ્યાં મને GST(ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) અધિકારીઓનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું. તેમણે મને પાછો મોકલી દીધો.

GST ફાઇલિંગમા છેતરપિંડી કરવા આવી
મકવાણાએ કહ્યું કે શરૂઆતમાં મને લાગ્યું કે તે ખોટી ઓળખનો મામલો છે, પરંતુ પછીથી ખબર પડી કે એવું નથી. મકવાણાના પરમેનન્ટ એકાઉન્ટ નંબરનો ઉપયોગ GST ફાઇલિંગ છેતરપિંડી માટે થયો હોવાનું માનવામાં આવે છે. આવકવેરા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે GST વિભાગે ઉચ્ચ મૂલ્યના વ્યવહારો ઓળખી કાઢ્યા છે. તેમની સામે તપાસ ચાલી રહી છે. આ બિલિંગ છેતરપિંડીનો કેસ હોઈ શકે છે, જેમાં વ્યક્તિની બેંક અને વ્યક્તિગત વિગતોનો સંપૂર્ણ માહિતી વિના દુરુપયોગ કરવામાં આવે છે.

બેંક સ્ટેટમેન્ટ તપાસ્યા અને તેમને કંઈપણ અસામાન્ય મળ્યું નહીં
પાંચ સભ્યોના પરિવારના એકમાત્ર કમાનાર મકવાણાએ કહ્યું કે તેમણે તેમના બેંક સ્ટેટમેન્ટ તપાસ્યા અને તેમને કંઈપણ અસામાન્ય મળ્યું નહીં. તેમને 29 માર્ચે આવકવેરા કાયદાની કલમ 148A(1)હેઠળ નોટિસ આપવામા આવી હતી. આમાં તેમના પર વર્ષ 2020-21 દરમિયાન 36,03,58,915 રૂપિયાના વ્યવહારો છુપાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ઉચ્ચ મૂલ્યના વ્યવહારો એક પોર્ટલ પર જોવા મળ્યા
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ઉચ્ચ મૂલ્યના વ્યવહારો એક પોર્ટલ પર જોવા મળ્યા હતા જે સંભવિત જોખમી નાણાકીય વર્તનને ટ્રેક કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસની પહેલનો એક ભાગ છે. આ નોટિસમાં જયેશ ભરતભાઈ નાકરાણી સાથે જોડાયેલી JK એન્ટરપ્રાઇઝ નામની કંપની દ્વારા 15.97 કરોડ રૂપિયાના ટર્નઓવર અને 20 કરોડ રૂપિયાથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાથે GSTR-3B ફાઇલિંગની યાદી આપવામાં આવી છે. આ વ્યવહારો જાહેર કરવામાં આવ્યા ન હતા કે તેમના પર કોઈ કર લાદવામાં આવ્યો ન હતો.

આપણ વાંચો : રાહુલ ગાંધીએ ફરી ચૂંટણીના મુદ્દાઓ પર વાત કરીઃ કૉંગ્રેસને મજબૂત કરવા બાબતે શું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button