હિંમતનગરના રાજપુર પાટિયા નજીક એસટી બસ-રિક્ષાનો અકસ્માત, ત્રણનાં મોત…

હિંમતનગર: સાબરકાંઠાના હિંમતનગરના રાજપુર પાટીયા નજીક ડાઈવર્ઝન રોડ પર આજે બપોરે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક ST બસ અને એક રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે.
ત્રણ લોકોના મોત
મળી રહેલી વિગતો અનુસાર મૃતકોમાં રિક્ષા ચાલક મિતેશકુમાર સુરેશભાઈ પરમાર (ઉ.વ.૨૫), મહિલા મુસાફર નઝમાબીબી અનવરખાન શેખ (ઉ.વ.૬૩) નો ઘટનાસ્થળે જ સમાવેશ થાય છે, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ મહિલા નીલમબેન ભાવેશભાઈ પરમાર (ઉ.વ.૪૦) નું સારવાર દરમિયાન હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. અન્ય એક ઈજાગ્રસ્ત મહિલા લક્ષ્મીબેન અરવિંદભાઈ ગોસ્વામી (ઉ.વ.૪૫) ની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અકસ્માતની માહિતી મળતાની સાથે જ હિંમતનગર ગ્રામ્ય પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ રિક્ષાને કાપીને અંદર ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ ગંભીર અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટના અંગે બસના કંડક્ટર ઝુબેર મોમીને જણાવ્યું હતું કે તેમની બસ હિંમતનગરથી બપોરે 2.45 વાગ્યે નીકળી હતી અને ડાઈવર્ઝન પર સામેથી પૂરઝડપે આવી રહેલી રિક્ષાને બચાવવા ડ્રાઈવરે બસ ડિવાઈડર પર ચડાવી દીધી હતી, પરંતુ રિક્ષાચાલકે ધ્યાન ન આપતાં સીધી બસ સાથે ટક્કર થઈ હતી.