સાબરકાંઠાના વડાલીમાં 100 ટકા વરસાદ: મોટાભાગના જળાશયો 50 ટકાથી વધુ ભરાયા…

સાબરકાંઠાઃ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકામાં સરેરાશ 58.62 ટકા વરસાદ નોંધાયો છે. વડાલી તાલુકામાં સૌથી વધુ 100.12 ટકા વરસાદ થયો છે. પોશીના તાલુકામાં સૌથી ઓછો 31.57 ટકા વરસાદ નોંધાયો છે.
સાબરકાંઠા ડિઝાસ્ટર વિભાગના આંકડા મુજબ, ખેડબ્રહ્મામાં 89.77 ટકા, વિજયનગરમાં 46.75 ટકા, ઈડરમાં 73.94 ટકા, હિંમતનગરમાં 44.03 ટકા, પ્રાંતિજમાં 38.95 ટકા અને તલોદમાં 41.58 ટકા વરસાદ થયો છે. ગુહાઈ ડેમ 50.77 ટકા ભરાયેલો છે અને તેમાં 100 ક્યુસેક પાણીની આવક છે. હાથમતી ડેમ 43.40 ટકા ભરાયેલો છે અને 246 ક્યુસેક પાણીની આવક છે. હરણાવ ડેમ 63.15 ટકા ભરાયેલો છે અને 340 ક્યુસેક પાણીની આવક છે. ખેડવામાં 150 ક્યુસેક પાણીની આવક સામે 105 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન,ટ્રફના કારણે ભારે વરસાદ રહેશે. 10 થી 14 જૂન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેમજ 30થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી હતી.