સાબરકાંઠા

ઉદ્ઘાટનના ત્રણ દિવસમાં જ ધરોઈ ખાતે એડવેન્ચર ફેસ્ટના ટેન્ટ હવામાં ઊડ્યાઃ સહેલાણીઓ રઝડ્યા…

હિંમતનગર: ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યો છે અને હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં વેગીલા પવનો સાથે હળવાઠ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ગઇકાલે ધરોઈ ડેમ ખાતે તાજેતરમાં જ શરૂ થયેલા એડવેન્ચર ફેસ્ટને ભારે વાવાઝોડાનો સામનો કરવો પડ્યો હતો. 23મી મેના રોજ મુખ્ય પ્રધાન દ્વારા ભવ્ય ઉદ્ઘાટન કરાયેલા આ ફેસ્ટ પર સોમવારે રાત્રે ફૂંકાયેલા 50 કિ.મી.ની ઝડપના વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. વાવાઝોડાના કારણે ફેસ્ટમાં ઉભા કરાયેલા ટેન્ટ અને હોર્ડિંગ્સને મોટું નુકસાન થયું હતું, જેના દ્રશ્યો જાણે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું હોય તેવા જોવા મળ્યા હતા.

ધરોઈ ડેમ ખાતે યોજાયેલા આ પ્રથમ એડવેન્ચર ફેસ્ટ-2025માં પાવર બોટ, પેરાસેઇલિંગ, રોક ક્લાઇમ્બિંગ, બોલ્ડરિંગ, ટ્રેકિંગ, હાઈકિંગ, માઉન્ટેન બાઈકિંગ, સાઈકલિંગ, કેમ્પિંગ સહિતની વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. જોકે, અચાનક આવેલા વાવાઝોડાએ સ્થિતિ પલટી નાખી હતી. ટેન્ટ તૂટી પડતા અને ભારે પવનના કારણે ફેસ્ટમાં આવેલા પ્રવાસીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જીવ બચાવવા માટે પ્રવાસીઓ આશરો શોધવા દોડાદોડી કરી રહ્યા હતા, પરંતુ પ્રવાસીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નહોતી, જેના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થયો હતો.

મુખ્ય પ્રધાનના હસ્તે ખુલ્લો મુકાયાના માત્ર ત્રણ જ દિવસમાં આ એડવેન્ચર ફેસ્ટ પર વાવાઝોડાની આફત ત્રાટકી હતી. જમીન, પાણી અને હવાઈ આધારિત એડવેન્ચર પ્રવૃત્તિઓ નિહાળવા માટે અસંખ્ય પ્રવાસીઓ ધરોઈ ડેમ ખાતે ઉમટ્યા હતા. પરંતુ રવિવારે મોડી સાંજે ફૂંકાયેલા વાવાઝોડાએ ફેસ્ટને નુકસાન પહોંચ્યું હતું. વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ જોઈને હોટ એર બલૂનની ટીમને પણ સ્થળ છોડી સલામત સ્થળે જવાની ફરજ પડી હતી. ગણતરીની મિનિટોમાં જ આખું એડવેન્ચર ફેસ્ટ સાવ સૂમસામ બની ગયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button