સાબરકાંઠા

ગુજરાતના સાબરકાંઠામાં એસઓજીએ રૂપિયા 1.13 કરોડના લીલા ગાંજાની ખેતી ઝડપી…

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નાબૂદ કરવાની ઝુંબેશના ભાગરૂપે, જિલ્લા પોલીસ અધીક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના હેઠળ કાર્યરત એસઓજી ટીમે પોશીના તાલુકાના લાખિયા ગામેથી મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. ગાંજાના વાવેતરની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ગાંજાનું વાવેતર શોધવા માટે ડ્રોનથી સર્વેલન્સ કર્યું હતું.

કુલ 558 ગાંજાના છોડ જપ્ત કર્યા

એસઓજી ટીમે લાખિયા ગામની નાની સોનગઢ ફળીમાં રહેતા હાંમથા ડાભી (ઉં.વ. 38) નામના શખસની ધરપકડ કરી છે. પોલીસે તેના રહેણાક મકાનની આગળની જમીનમાંથી 226.237 કિલોગ્રામ વજનના કુલ 558 ગાંજાના છોડ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત આશરે રૂ. 1,13,11,850 (₹1.13 કરોડ) જેટલી થાય છે.

ખેતરમાં ગેરકાયદે રીતે ગાંજાનું વાવેતર

જિલ્લામાં ડ્રગ્સના વેચાણ અને સેવન કરતા ઇસમો સામે કાર્યવાહી કરવાની સૂચનાને પગલે એસઓજી પીઆઈ ડી.સી. પરમાર અને પીએસઆઈ પી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ પોશીના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન જયદીપકુમાર, પંકજકુમાર અને નિલેશકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે હાંમથાભાઈ ડાભી પોતાના ખેતરમાં ગેરકાયદે રીતે ગાંજાનું વાવેતર કરે છે. બાતમીની ખરાઈ કરવા માટે એસઓજી ટીમે સૌપ્રથમ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, જેથી સ્થળની ચોક્કસ માહિતી મળી શકે. ચોક્કસ બાતમી મળ્યા બાદ સરકારી પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

એસઓજી ટીમે આરોપી હાંમથાભાઈ ડાભીના કબજા ભોગવટાના ખેતરમાંથી ગાંજાનું વાવેતર મળી આવતાં તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી વિરુદ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા પોલીસે યુવાધનને નશાખોરીના રવાડે ચઢાવતાં આવાં કૃત્યો સામે કડક કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button