સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે હિંસક જૂથ અથડામણ, 20 લોકો ઘાયલ

પ્રાંતિજ : ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજના મજરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પથ્થરમારા સાથે હુમલો કરાતા 20 લોકોને ઈજા પહોંચી છે. તેમજ અનેક વાહનોમાં તોડ ફોડ અને આગચંપી કરવામાં આવી હતી. જોકે, ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મંદિરના વિવાદને લઈને બે જૂથ આમને સામને આવ્યા
આ અંગે મળતી માહિતી ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં વિવાદને લઈને બે જૂથ આમને સામને આવ્યા હતા. તેમાં વિવાદ ઉગ્ર બનતા સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમજ પથ્થરમારામાં 20થી લોકોને ઈજા પહોંચી છે. જયારે 26 કાર, 51 બાઈક, 2 ટેમ્પોમાં નુકસાન પહોંચાડ્યું છે. જેમાં 4 મીની ટેમ્પો, 3 ટ્રેક્ટર-, 10 મકાનને પણ નુક્સાન પહોંચાડયું છે,. આ અંગે સ્થાનિક પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી છે અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
120 સામે ગુનો દાખલ
આ ઘટના અંગે એસપી એ.કે. પટેલે જણાવ્યું હતું કે, પોલીસે 60 વ્યક્તિ સામે નામજોગ સહિત 120 સામે ગુનો દાખલ કર્યો છે. આ વિવાદ જુની અદાવતમાં થયો હતો. સમગ્ર ઘટના બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે . પોલીસે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું છે.
મંદિરના ચોકમાં ગરબાના આયોજન મુદ્દે વિવાદ
ઉલ્લેખનીય છે કે, પ્રાંતિજ તાલુકાના મજરા ગામે શુક્રવાર રાત્રે બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણ ભૈરવ મંદિરના વહીવટની જૂની અદાવતના લીધે સર્જાયું હોવાનું પોલીસ તપાસમાં પ્ર્કાશમાં આવ્યું છે. જેમાં દિવાળીના તહેવારને લઈને ત્રણ દિવસ માટે મંદિરના ચોકમાં ગરબાનું આયોજન કરવાનું હતું. પરંતુ તેના પૂર્વે જ ગામમાં બે જૂથ વચ્ચે હિંસક જૂથ અથડામણ થઈ હતી.