
પ્રભાસ પાટણ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ભવ્ય વિરાસત અને અતિતના સંઘર્ષ પર સંબોધન આપ્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે, ૧૦૦૦ વર્ષ પહેલા આ જ સ્થાન પર આપણા પૂર્વજોએ પોતાની આસ્થા માટે સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. આક્રમણખોરોએ વિચાર્યું હતું કે તેઓ આપણને જીતી ગયા છે, પરંતુ આજે ૧૦૦૦ વર્ષ બાદ પણ સોમનાથ મંદિર પર લહેરાતી ધજા ભારતની શક્તિ અને તેના સામર્થ્યનો લલકાર કરી રહી છે.
સોમનાથ પરનો હુમલો માત્ર આર્થિક લૂંટ નહોતી
સોમનાથ પર થયેલા હુમલાઓના ઈતિહાસ અંગે પીએમ મોદીએ આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, કમનસીબે જેમણે મંદિર માટે બલિદાન આપ્યા તેમને મહત્વ આપવામાં આવ્યું નહીં. કેટલાક રાજકારણીઓએ ધાર્મિક કટ્ટરતાથી પ્રેરિત આ હુમલાઓને સામાન્ય લૂંટ કહીને તેનો ઈતિહાસ છુપાવવાનો પ્રયાસ કર્યો છે. જો સોમનાથ પરનો હુમલો માત્ર આર્થિક લૂંટ હોત, તો તે ૧૦૦૦ વર્ષ પહેલા એક જ વાર થયો હોત, પરંતુ આ મંદિર પર વારંવાર હુમલા થયા તે દર્શાવે છે કે તેની પાછળ નફરત અને ક્રૂરતાનો ઈતિહાસ હતો. તુષ્ટિકરણના રાજકારણમાં ડૂબેલા લોકો કટ્ટરપંથી તાકાતો સામે નમી ગયા અને સત્યને દબાવી રાખ્યું.
ધાર્મિક ઝનુનીઓ ઈતિહાસના પાનાઓમાં સંકેલાયા
પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતા જણાવ્યું કે, જ્યારે સરદાર પટેલે આ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ લીધો હતો, ત્યારે પણ તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેઓ ઈતિહાસને છુપાવવા માંગતા હતા, તેમણે આ પુનઃસ્થાપનામાં પણ અવરોધો ઉભા કર્યા હતા. પરંતુ તે સમયનો ન્યાય છે કે જે ધાર્મિક ઝનુનીઓએ સોમનાથને નષ્ટ કરવાનો ઈરાદો રાખ્યો હતો, તેઓ આજે ઈતિહાસના પાનાઓમાં કેદ થઈ ગયા છે, જ્યારે ભગવાન સોમનાથનું શિખર અને તેની ધર્મધજા આજે ગર્વભેર ફરકી રહી છે.
સોમનાથની ગાથા વિજય અને પુનઃનિર્માણની છે
સોમનાથના ઈતિહાસ પર પ્રકાશ પાડતા તેમણે ગઝનવીથી લઈને ઔરંગઝેબ સુધીના અત્યાચારો અને રાજા કુમારપાળથી અહલ્યાબાઈ હોલકર સુધીના પુનઃનિર્માણના કાર્યોને યાદ કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, સોમનાથની ગાથા વિનાશ કે પરાજયની નથી, પરંતુ વિજય અને પુનઃનિર્માણની છે. આક્રમણખોરો એ ભૂલી ગયા હતા કે મહાદેવનું નામ મૃત્યુંજય છે, જે મૃત્યુ પર વિજય મેળવનાર છે. ૧૦૦૦ વર્ષ સુધી ચાલેલા આવા લાંબા સંઘર્ષ અને અતૂટ શ્રદ્ધાની બીજી કોઈ મિસાલ વિશ્વના ઈતિહાસમાં નથી.
ઓમકાર નાદની પ્રશંસા કરી
અંતમાં, સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પીએમ મોદીએ આ દિવ્ય વાતાવરણ અને ૧૦૦૦ વિદ્યાર્થીઓ દ્વારા થયેલા ૭૨ કલાકના ‘ઓમકાર’ નાદની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે સોમનાથ સ્વાભિમાન પર્વ એ માત્ર ૧૦૦૦ વર્ષ પહેલા થયેલા વિનાશનું સ્મરણ નથી, પરંતુ ભારતની અજેય સફરનું પ્રતીક છે. જે રીતે સોમનાથને તોડવાના પ્રયાસો છતાં તે અડીખમ રહ્યું, તેમ વિદેશી આક્રમણખોરો ભારતને પણ ક્યારેય મિટાવી શક્યા નથી.
આ પણ વાંચો…૧૦૮ અશ્વો, પ્રાચીન વાદ્યોના નાદ સાથે પીએમ મોદીએ કરાવ્યો ‘શૌર્ય યાત્રા’નો પ્રારંભ; જુઓ વીડિયો



