
પ્રભાસ પાટણ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય ‘શૌર્ય યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા અસંખ્ય યોદ્ધાઓના સન્માનમાં આયોજિત એક શોભાયાત્રા છે. પીએમ મોદીએ સોમનાથ મંદિર પહોંચીને આ યાત્રાનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર ૧૦૮ અશ્વો રહ્યા હતા, જેમણે આ શૌર્ય યાત્રાની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.પીએમ મોદીની ઝલક મેળવવા માટે લોકોનો મેળાવડો જામ્યો હતો. લોકોએ પીએમ મોદી પર પુષ્પવર્ષા કરી હતી.
આ યાત્રામાં ભારતની વિવિધતાસભર સંસ્કૃતિના દર્શન થયા હતા, જેમાં મણિપુર સહિત દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી. ભાવનગરના જાણીતા કલાકાર પિનાકીન ગોયલ અને અન્ય સ્થાનિક કલાકારોએ જણાવ્યું હતું કે સોમનાથની પવિત્ર ધરતી પર વડાપ્રધાનની હાજરીને કારણે ભક્તો, સાધુ-સંતો અને સામાન્ય જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાના રૂટ પર ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાસ-ગરબાની રમઝટ બોલી હતી. શરણાઈ, ઝાલર, કાંસીજોડા, ડમરુ, મૃદંગ, શંખ જેવા વાદ્યોના નાદોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.



