પાટણના મુડાણા ગામે સરસ્વતી નદીમાં ડૂબવાથી બે સગી બહેનોના મૃત્યુ, પરિવારજનોનું આક્રંદ

પાટણઃ સિદ્ધપુરના મુડાણા ગામે એક કરૂણાંતિકા બની હતી. અહીંથી પસાર થતી સરસ્વતી નદીમાં બે સગી બહેનો સહિત ત્રણ યુવતી ડૂબી હતી. જેમાં બે સગી બહેનોના મોત થયા હતા. જ્યારે એકનો બચાવ થયો હતો. બચી ગયેલા યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સગી બહેનોના મોતના કારણે પરિવારજનોએ આક્રંદ કર્યું હતું.
કેવી રીતે બની ઘટના
મળતી વિગત પ્રમાણે, મુક્તેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના ધસમસતા પ્રવાહમાં ત્રણેય ડૂબી હતી. મુડાણા ગામની રહેવાસી બે સગી બહેનો સજના છનાજી ઠાકોર (ઉં.વ. 19) અને કાજલ છનાજી ઠાકોર (ઉંમર 22), તેમની સાથે એક સગીરા નદી કિનારા તરફના વિસ્તારમાં ગયા હતા. નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાને કારણે ત્રણેય પાણીમાં તણાઈને ડૂબવા લાગી હતી. જેમાંથી બેના મૃત્યુ થયા હતા. જ્યારે સગીરાનો બચાવ થયો હતો. આ દુર્ઘટનાને કારણે મુડાણા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ પણ વાંચો: પાટણના વડાવલી ગામે કરૂણાંતિકા; તળાવમાં ડૂબવાથી એક મહિલા અને ચાર બાળકોના મૃત્યુ…
પરિવારજનો શોકમગ્ન
ઉલ્લેખનીય છે કે, સિદ્ધપુર પાસેથી પસાર થતી સરસ્વતી નદીમાં છેલ્લા ઘણા દિવસોથી મુક્તેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા લોકોને નદી કિનારાના વિસ્તારોમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે, તેમ છતાં આ ત્રણેય યુવતીઓ નદી કિનારા તરફ ગઈ હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી. બે સગી બહેનોના મોતથી પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા અને માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
થોડા દિવસ પહેલા જામનગરના નાઘેડી વિસ્તારની પોદાર સ્કૂલ નજીક આવેલા તળાવમાં ગણેશ વિસર્જન ગયા હતા. આ દરમિયાન ગણપતિજીની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરતા સમયે પિતા સહિત બે પુત્ર એમ ત્રણેય પાણીમાં ઉતર્યા હતા. જેમાં ત્રણેય બાપ-દીકરો એકાએક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. તેવામાં પિતાએ પોતાના બંને પુત્રોને બચાવવા માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ કોઈને તરતા આવડતું ન હોવાથી ત્રણેય પાણીમાં ડૂબી જવાથી કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા.