પાટણમાં સતત બીજા દિવસે કરૂણાંતિકા, નદીમાં ડૂબવાથી ત્રણનાં મોત

પાટણઃ સાંતલપુર તાલુકામાં આવેલી ખારી નદીમાં નહાવા ગયેલા 12 યુવાનો ડૂબ્યા હતા. આ ઘટના બે અલગ અલગ જગ્યાએ બની હતી. પ્રથમ ઘટનામાં નાળિયા ગામે પાસે ખારી નદીમાં નહાવા ગયેલા 9 યુવકો અચાનક પાણીનો પ્રવાહ વધતાં તણાવા લાગ્યા હતા. જેમાંથી ચારને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે બે યુવકના મૃત્યુ થયા હતા અને ત્રણ યુવકો હજુ પણ લાપતા છે. મૃત્યુ આંક વધી શકે છે.
બીજી ઘટના રણમલપુરા ગામે પાસે બની હતી. ત્યાં ત્રણ યુવકો ડૂબી ગયા હતા. તેમાંથી બેને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે એક લાપતા છે, તેની શોધખોળ ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી, ઉપરાંત એસડીઆરએફને જાણ કરાઈ હતી. એસડીઆરએફની 26 સભ્યોની ટીમે આવીને શોધખોળ શરૂ કરી હતી. ઘટનાના કારણે શોકનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો…સાબરમતી ગુજરાતની સૌથી પ્રદૂષિત નદી, મોદી સરકારની સંસદમાં કબૂલાત
વારાહીના મામલતદાર દિનેશ પંડયાએ જણાવ્યું હતું કે, નાળિયા ગામે નદીમાં કુલ 9 યુવકો ડૂબ્યા હતા. સ્થાનિકોએ ચારને બહાર કાઢ્યા હતા.અન્ય લોકોની એસડીઆરએફની 26 લોકોની ટીમ શોધખોળ કરી રહી છે. જ્યારે એક યુવાન વધુ પાણી પી જતા 108 મારફતે તેને સારવાર માટે ખેસડવામાં આવ્યો હતો, જોકે, સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સિદ્ધપુરના મુડાણા ગામે એક કરૂણાંતિકા બની હતી.સરસ્વતી નદીમાં બે સગી બહેનો સહિત ત્રણ યુવતી ડૂબી હતી. જેમાં બે સગી બહેનોના મોત થયા હતા. જ્યારે એકનો બચાવ થયો હતો. સગી બહેનોના મોતના કારણે પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. મુક્તેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના ધસમસતા પ્રવાહમાં ત્રણેય ડૂબી હતી. મુડાણા ગામની રહેવાસી બે સગી બહેનો સજના છનાજી ઠાકોર (ઉં.વ. 19) અને કાજલ છનાજી ઠાકોર (ઉંમર 22), તેમની સાથે એક યુવતી નદી કિનારા તરફના વિસ્તારમાં ગયા હતા. નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાને કારણે ત્રણેય પાણીમાં તણાઈને ડૂબવા લાગી હતી. જેમાંથી બેના મૃત્યુ થયા હતા. જ્યારે એકનો બચાવ થયો હતો. આ દુર્ઘટનાને કારણે મુડાણા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.