ગુજરાત કોંગ્રેસમાં સંગઠનની નિમણૂકોથી નારાજ પટેલ ધારાસભ્યની રાજીનામાની જાહેરાત

પાટણઃ ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. સંગઠનની નિમણૂકોથી નારાજ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજીનામાની જાહેરાત કરી હતી. આજે બપોરે 3 કલાકે તેઓ દંડક પદેથી રાજીનામું આપશે. તેમની જાહેરાતથી ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ જાહેરાતને કોંગ્રેસ માટે મોટો ફટકો માનવામાં આવે છે. કિરીટ પટેલે કહ્યું કે, જૂથવાદ ચાલુ રહ્યો તો પાર્ટીનું અસ્તિત્વ જોખમાશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઘરના મામલો ગણાવી ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો હતો.
2027માં કોંગ્રેસના સૂપડા થઈ જશે સાફઃ કિરીટ પટેલ
કિરીટ પટેલે કહ્યું કે કોંગ્રેસ નેતાઓ જૂથવાદ છોડવા તૈયાર નથી, જેના કારણે સામાન્ય જનતાનો ભરોસો તૂટી રહ્યો છે. જો આ જ સિસ્ટમ ચાલુ રહી તો 2027 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે અને પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઈ જશે. કિરીટ પટેલે માત્ર રાજીનામાની વાત નથી કરી, પરંતુ પરિસ્થિતિ વણસી શકે છે તેવો ઈશારો પણ કર્યો છે. તેમણે જણાવ્યું કે પાટણ કોંગ્રેસના પાયાના કાર્યકરો (આ નિર્ણયોથી ખુબ ગુસ્સામાં છે. જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો નારાજ કાર્યકરો તોડફોડ કરતા પણ અચકાશે નહીં. જો પ્રદેશ નેતાઓ આ બાબતે ગંભીર નહીં બને તો પાટણ જેવી આગ અન્ય શહેરોમાં પણ ફેલાઈ શકે છે.
અમિત ચાવડા લાગ્યા ડેમેજ કંટ્રોલમાં
એક તરફ કિરીટ પટેલે રાજીનામાનું શસ્ત્ર ઉગામ્યું છે, તો બીજી તરફ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ડેમેજ કંટ્રોલના પ્રયાસમાં લાગ્યા છે. તેમણે સ્વીકાર્યું હતું કે SC વિભાગની નિમણૂકને લઈને અસંતોષ છે, પરંતુ તેમણે આને “ઘરનો આંતરિક મામલો” ગણાવ્યો હતો. ચાવડાએ દાવો કર્યો છે કે બંને જૂથોને સાથે બેસાડીને આ વિવાદનો સુખદ અંત લાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 2023માં કિરીટ પટેલે કહ્યું હતું કે, પક્ષમાં જે ધારાસભ્ય ચૂંટાયા છે, તે તેમની પ્રતિભાના અને પોતાના પ્રભાવને લઈ ચૂંટાયા છે. જ્યારે ભાજપમાંથી પક્ષ, કાર્યકરો, સંગઠન મહેનત કરતું હોય છે. કોંગ્રેસમાં તો કોંગ્રેસના જ લોકો હરાવવા ફરતા હોય છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તે અંગે પક્ષમાં લેખિત રજૂઆતો ઘણી કરી છે. પણ પક્ષ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. પછી ધારાસભ્ય પોતાની રીતે નિર્ણય લઇ શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઘણીવાર સોશ્યલ મીડિયામાં જોયું કે કચરો જતો રહે છે. કોંગ્રેસે હવે ગંભીર બનવાની જરૂર છે.
બધા જતા રહેશે તો ઘણી વખત કચરો પણ ઘરના ખૂણામાં સાચવી રાખતા હોઈએ છીએ. હજુ પણ ત્રણ ચાર ધારાસભ્ય તૂટશે. એટલા તૂટી રહ્યા છે જે માટે પક્ષના આગેવાનો સંપર્ક કરી ધારાસભ્યોની બેઠક બોલાવવા અંગે કહ્યું પણ કોંગ્રેસ સિરિયસ નથી. ધારાસભ્ય જાય તેમાં પક્ષ ગંભીર નથી. આની જગ્યાએ ભાજપ હોત તો સંગઠન દ્વારા બેઠક કરી સમસ્યાનો હલ લાવ્યું હોત.



