ગુજરાતમાંથી કૉંગ્રેસની પડશે વધુ એક વિકેટ? પીએમ મોદી-ભાજપની ભરપેટ પ્રશંસા કરતાં શરૂ થઈ અટકળો

કેવડીયા કોલોનીઃ રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં કૉંગ્રેસની કારમી હાર થઈ હતી. ત્યાર બાદ ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષપદેથી શક્તિસિંહ ગોહીલે રાજીનામું આપ્યું હતું.
જે બાદ નવા પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા કરવા ગુજરાત કૉંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. ગુજરાત કોંગ્રેસની હાલત અત્યારે તેર તૂટેને એક સાંધો જેવો હાલ છે, ત્યાં રડ્યા ખડ્યા નેતાઓ પણ હવે સત્તાધારી પાર્ટીની વાહવાહી કરી રહ્યા હોવાના અહેવાલ છે, જેમાં હવે વધુ એક ધારાસભ્યનું નામ ઉમેરાયું છે.
આપણ વાંચો: ગુજરાત કૉંગ્રેસની કમાન કોના હાથમાં ? આજે દિલ્હીમાં આલા નેતાઓ સાથે બેઠક
કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના સૂર બદલાયા
ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના સભ્યોએ ગુરૂવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હતી. આ સમિતિમાં કિરીટસિંહ રાણા, હાર્દિક પટેલ, કિરીટસિંહ ડાભી, સુખાજી ઠાકોર, કિરીટ પટેલ અને ભગાભાઈ બારડનો સમાવેશ થાય છે.
મુલાકાત દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના સૂર બદલાયેલા જોવા મળ્યા હતા. તેમણે વડા પ્રધાન મોદી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વખાણ કરતાં લોકોમાં ભારે આશ્વર્ય થયું હતું.
આપણ વાંચો: મુંબઈ સમાચાર સ્પેશિયલઃ કૉંગ્રેસ પાસે યુવાનેતાઓની કમી નથી, પણ પક્ષ પોતાની તાકાત પિછાણતી નથી
સ્ટેચ્યૂ ઓફ યુનિટી મુદ્દે પીએમ મોદીની કરી પ્રશંસા
કિરીટ પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનો વિચાર નરેન્દ્ર મોદીને આવ્યો એ સારી બાબત છે, ખૂબ સરસ પ્રતિમા બનાવી છે. સરદાર પટેલની પ્રતિમા બનાવવા બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ ઉપરાંત તેમણે ઇજનેરો અને અધિકારીઓના પણ વખાણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે કિરીટ પટેલ ભાજપ સરકાર પર પ્રહાર કરવાનો મોકો ચૂકતા હોતા નથી. પરંતુ એકાએક વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના ગુણગાન ગાવા લાગતાં તેઓ પણ પંજો છોડી કેસરિયો ધારણ કરશે તેવી અટકળો વહેતી થઈ હતી.
આપણ વાંચો: સાબરમતી આશ્રમમા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમની તબિયત લથડી, હોસ્પિટલ ખસેડાયા…
હવે એ પણ જાણી લો કિરીટ પટેલ છે કોણ?
કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય છે. તેઓ 2017 અને 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસમાં ચૂંટણી લડીને વિજેતા બન્યા હતા. આ ઉપરાંત તેઓ એક પ્રોફેસર પણ છે અને તેમણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. કિરીટ પટેલે તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ઝઘડાઓ અને વેર-ઝેર અટકાવવા માટે સમરસ પંચાયતો અભિયાન પણ ચલાવ્યું હતું.