પાટણમાં વિદ્યાર્થીઓએ સાથે ભણતી 13 વર્ષની છોકરીને સિગારેટના ડામ આપ્યા, બ્લેડથી હાથ પર કાપા પાડ્યા

પાટણ: ગુજરાતમાં તાજેતરમાં શાળામાં હિંસાની ઘટનાઓએ વાલીઓમાં ચિંતા જગાવી છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ અને સુરતની શાળાઓમાં થયેલી હિંસાની ઘટનાઓ બાદ હવે પાટણમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે વાલીઓ અને સમગ્ર સમાજમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે. અહીં, એક કેન્દ્રીય વિદ્યાલયની 13 વર્ષીય વિદ્યાર્થિનીને તેના જ વર્ગખંડમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ બ્લેડથી ચેકા માર્યા હતા અને લાઇટરથી ડામ આપવામાં આવ્યો હતો. આ ઘટનાથી ગભરાઈ ગયેલી સગીરાએ ઝેર પી લીધું હતું અને હાલ તે હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
વાત કરવા માટે કરવામાં આવતી હતી હેરાન
મળતી વિગતો અનુસાર આ ઘટના પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામની છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, પીડિત વિદ્યાર્થિનીના પિતા, જેઓ નિવૃત્ત આર્મી જવાન છે, તેમણે આક્ષેપ કર્યો હતો છે કે છેલ્લા પાંચ મહિનાથી તેની દીકરીની સાથે અભ્યાસ કરતાં ત્રણ વિદ્યાર્થીઓ તેમની દીકરીને વાત કરવા માટે સતત હેરાન કરી રહ્યા હતા. જો કે બુધવારે રિસેસના સમય દરમિયાન ત્રણેય સગીરોએ છોકરીને શાળાના એક ખૂણામાં ઘેરી લીધી હતી અને એકે પેન્સિલ શાર્પનરમાંથી બ્લેડ કાઢી અને તેના હાથના પંજા પર કાપા પાડ્યા હતા.
વિદ્યાર્થિનીને હાથે ડામ પણ આપ્યા
એટલું જ નહીં, ફરિયાદમાં કરવામાં આવેલા આરોપ અનુસાર, એક વિદ્યાર્થીઓએ સિગારેટ લાઇટર કાઢીને તેના હાથમાં ડામ પણ આપ્યા હતા. આ સમગ્ર બનાવથી ભયભીત અને ઇજાગ્રસ્ત છોકરી ઘરે પહોંચી હતી. બીજા દિવસે, ગુરુવારે, આઘાત અને ત્રાસથી ભાંગી પડેલી છોકરીએ ફિનાઈલ પી લીધું હતું. આ ઘટના બાદ તેના પરિવારે તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં ડોકટરોએ તેને ICUમાં ખસેડી છે. જો કે હોસ્પિટલમાં વિદ્યાર્થિનીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે આપી વિગતો
આ ઘટનાના પગલે પાટણમાં ભારે આક્રોશ ફેલાયો છે. ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે વાલીઓ અને સંબંધીઓ શાળા અને પોલીસ સ્ટેશન બંને બહાર એકઠા થયા હતા. આ બનાવ અંગે પાટણના SPએ જણાવ્યું હતું કે, “અમે જુવેનાઈલ જસ્ટિસ એક્ટની જોગવાઈઓ હેઠળ આ મામલે તપાસ કરી રહ્યા છીએ. શાળા અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ એકત્ર કરવામાં આવી રહ્યા છે. FIRમાં ગંભીર આક્ષેપો છે, અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.