પાટણ: સિદ્ધપુર GIDCમાં ફૂડ વિભાગ ત્રાટક્યું, ભેળસેળયુક્ત 8219 કિલો તેલ સીઝ કર્યુ
પાટણઃ સિદ્ધપુર જીઆઈડીસીમાં ફૂડ વિભાગ ત્રાટક્યું હતું. તપાસમાં શંકાસ્પદ તેલનો મોટો જથ્થો ઝડપાયો હતો. મેટ્રો ઓઇલ મિલમાં એસઓજી અને ફૂડ વિભાગે બાતમીના આધારે રેડ પાડી હતી.રેડ દરમિયાન અલગ અલગ બ્રાન્ડના 8219 કિલો તેલનો કુલ રૂ. 9,81,287 જથ્થો સીઝ કર્યો હતો. તેલમાં મિલાવટ કરવા માટેનું લિક્વિડ પણ મળી આવ્યું હતું. આરોપી બહારથી તેલના ટેન્કર મંગાવી અલગ અલગ બ્રાન્ડમાં પેકિંગ કરતો હતો. જીઆઇડીસીમાં આવેલ 133, 134 અને 135 નંબરના ગોડાઉનમાં તેલનું ભેળસેળ કરી વેચાણ કરતો હતો. સિદ્ધપુર GIDCમાં થોડા સમય પહેલા ઘીની નકલી ફેક્ટરી પકડાઈ હતી. જે બાદ હવે નકલી તેલની ફેકટરી પકડાતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
SOG અને ફૂડ વિભાગની રેડમાં તેલની 4 ટેન્ક મળી આવી હતી. અલગ-અલગ બ્રાન્ડનું 10,500 લીટર શંકાસ્પદ તેલ મળી આવ્યું હતું. ગોડાઉનમાંથી શંકાસ્પદ તેલ બનાવવાની સાધન સામગ્રી ઝડપાઈ હતી. કુલ રૂપિયા 20,31,650નો શંકાસ્પદ તેલનો જથ્થો એસઓજી અને ખાદ્ય વિભાગે સિઝ કર્યો હતો. તેલમાં ભેળસેળ માટેનું રો-મટીરિયલ પણ વિપુલ માત્રામાં મળી આવતા ટીમ ચોંકી ઉઠી હતી. વિટામીન A અને વિટામિન Dનું કન્સ્ટ્રનટ્રેડ લિક્વિડ પણ મળી આવ્યું હતું શંકાસ્પદ તેલના સેમ્પલ લઈને FSL માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો…કેરીના રસિયાઓ જો ખિસ્સા ભરેલા હોય પહોંચી જાવ બજારઃ ફળોનો રાજા આવી ગયો છે…
ઉલ્લેખનીય છે ક રાજ્યમાં અત્યાર સુધીમાં નકલી ઘી, નકલી જીરું-વરિયાળી, નકલી ટોલનાકું, નકલી કચેરી, નકલી પોલીસ જેવું કેટલુંય નકલીનો રાફડો ફાટ્યો છે, ત્યારે ભેળસેળયુક્ત તેલ નીકળતા લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.