ટોપ ન્યૂઝપાટણ

રાજકોટ પછી પાટણનો વારોઃ એસટી બસે રિક્ષાને ટક્કર મારતા છ જણનાં મોત

પાટણઃ સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે એસટી બચચાલકે મંગળવારે ગોઝારો અકસ્માત સર્જ્યા પછી આજે પાટણમાં એસટીના બસચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં અડધો ડઝન જેટલા લોકોના મોત થયા છે. સમી-રાધનપુર હાઈ-વે પર થયેલા અકસ્માતમાં 6 લોકોનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.

આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ એસટી બસ રાધનપુરથી હિંમતનગર જઈ રહી હતી. આ દરમિયાન બસે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી, જેમાં રિક્ષાનો કચ્ચરઘાણ થઈ થયો હતો, જેમાં સવાર 6 લોકોનો મોત થયા હતા. આ અકસ્માત અંગે સ્થાનિકોનું કહેવું છે કે એસટી બસને પૂરપાટ ઝડપથી હંકારવામાં આવી રહી હતી, તેથી ડ્રાઈવરે બસના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને રિક્ષાને કચડી નાખી હતી.

આ પણ વાંચો: WATCH: અંકલેશ્વર નજીક ગોઝારો અકસ્માત; પરિવારના 3 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ

મૃતકોની કાઢવા માટે ક્રેઈન બોલાવાઈ

અકસ્માતના કારણે રિક્ષાની હાલત એવી હતી તેમાંથી લોકોની લાશને કાઢવા માટે પણ ભારે હાલાકી થઈ હતી. એટલું જ નહીં પરંતુ મૃતકોને બસ નીચેથી કાઢવા માટે ક્રેન બોલાવવી પડી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે પણ દોડી આપી અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત કર્યો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે એક તો બસ બેફામ ઝડપથી ચાલી રહી હતી અને ડ્રાઈવર ઓવરટેક કરવા ગયો ત્યારે સામે આવેલી રિક્ષાને ટક્કર મારી હતી. અત્યારે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

પોસ્ટમોર્ટમ બાદ મૃતકોને પરિવારને સોંપ્યા

મળતી જાણકારી પ્રમાણે આ મૃતકો ભિક્ષા માંગવા માટે સમી ગયેલા હતા અને ત્યાંથી પાછા રાધનપુર આવી રહ્યા હતા. આ દરમિયાન એસટી બસ તેમનો કાળ બનીને આવી હતી. તમામ મૃતકોના લાશને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતકોની લાશને પરિવારનો સોંપવામાં આવી હતી. મૃતકોની ઓળખ વાદી સમુદાયના હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની વાત કરવામાં આવે તો તેમાં બાબુભાઇ લાલાભાઇ ફુલવાદી, કાંતાબેન બાબુભાઇ ફુલવાદી, ઇશ્વરભાઇ લાલાભાઇ ફુલવાદી, તારાબેન ઇશ્વરભાઇ ફુલવાદી, નરેશભાઇ ઇશ્વરભાઇ ફુલવાદી અને સાયરાબેન દિલુભાઇ ફુલવાદીનો સમાવેશ થાય છે.

પરિવારજનોને આર્થિક સહાય આપવા કરી ભલામણ

આ સમગ્ર ઘટનાને લઈને ફુલવાદી સમાજમાં ભારે શોકનો માહોલ છવાયો હતો. અકસ્માતની જાણ થતાની સાથે ફુલવાદી સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં. અહીં મૃતકોનું પોસ્ટમોર્ટમ કર્યાં બાદ મૃતદેહોને પરિવારનો સોંપવામાં આવ્યાં હતાં. સમીના ગોચનાદ નજીક આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને લઈને પોલીસે બસચાલકની પૂછપરછ શરૂ કરી દીધી છે. મૃતકોનાં પરિવારજનોને આર્થિક સહાય મદદ થાય સહાય આપવા માટે રાધનપુરના ધારાસભ્યએ મુખ્યપ્રધાનને પત્ર લખી ભલામણ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button