UPDATE: પાટણની સાંતલપુરમાં નદીમાં 12 યુવકો ડૂબ્યા, મૃત્યુઆંક વધીને પાંચ થયો

પાટણઃ સાંતલપુર તાલુકામાં મંગળવારે બે અલગ-અલગ ડૂબવાની ઘટના બની હતી. જેમાં નળિયા ગામ નજીકની ખારી નદીમાં 9 અને રણમલપુર ગામ નજીક 3 યુવકો મળીને કુલ 12 યુવકો નદીમાં ડૂબ્યા હતા, જેમાંથી 6 યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા. જેમાં 2ના મોત અને 4 યુવકો ગુમ હોવાનું સામે આવ્યું હતું. જેમાં પછી એકનો મૃતદેહ મળ્યો હતો. સમગ્ર ઘટના મામલે સ્થાનિક વહીવટીતંત્રની એસડીઆરએફની ટીમ દ્વારા ગુમ યુવકોની શોધખોળ શરૂ કરી હતી. બુધવારે વધુ 2 મૃતદેહ મળી આવ્યા હતા. બંને ઘટનામાં અત્યારસુધી કુલ મૃત્યુઆંક 5 થયો હતો
મળતી માહિતી મુજબ, સાંતલપુરમાં તાલુકામાં ગઈકાલે બે ડૂબવાની ઘટના બની હતી. જેમાં એક ઘટનામાં નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં નવ યુવકો ડૂબ્યા હતા. જે પૈકી 4ને બચાવી લેવાયા હતા. જ્યારે ચારના મોત નીપજ્યા હતા અને ત્રણ ગુમ છે. જેમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
જ્યારે રણમલપુરા ગામ નજીકની નદીમાં ત્રણ યુવાનો ડૂબતા બેને બચાવી લેવાયા હતા, જ્યારે એક યુવક ગુમ હતો. જેની એસડીઆરએફની ટીમ દ્વારા નદીમાં ગુમ યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે, ત્યારે મંગળવારે વધુ બે યુવકના મૃતદેહ મળી આવ્યા હતા. આમ બંને ઘટનામાં કુલ પાંચ લોકોના મોત નીપજ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સોમવારે પણ સિદ્ધપુરના મુડાણા ગામે એક કરૂણાંતિકા બની હતી.સરસ્વતી નદીમાં બે સગી બહેનો સહિત ત્રણ યુવતી ડૂબી હતી. જેમાં બે સગી બહેનોના મોત થયા હતા. જ્યારે એકનો બચાવ થયો હતો. સગી બહેનોના મોતના કારણે પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. મુક્તેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના ધસમસતા પ્રવાહમાં ત્રણેય ડૂબી હતી. મુડાણા ગામની રહેવાસી બે સગી બહેનો સજના છનાજી ઠાકોર (ઉં.વ. 19) અને કાજલ છનાજી ઠાકોર (ઉંમર 22), તેમની સાથે એક યુવતી નદી કિનારા તરફના વિસ્તારમાં ગયા હતા. નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાને કારણે ત્રણેય પાણીમાં તણાઈને ડૂબવા લાગી હતી. જેમાંથી બેના મૃત્યુ થયા હતા. જ્યારે એકનો બચાવ થયો હતો. આ દુર્ઘટનાને કારણે મુડાણા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ પણ વાંચો…પાટણમાં સતત બીજા દિવસે કરૂણાંતિકા, નદીમાં ડૂબવાથી ત્રણનાં મોત