મહેસાણામાં યુવકને જાણ કર્યા વિના કરી નાખી નસબંધી; મહિના બાદ હતા યુવકના લગ્ન

મહેસાણા: ગુજરાતમાં એક તરફ ખ્યાતિકાંડમાં આરોપીઓ દ્વારા તેના પાપનો ખુલાસો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ મહેસાણામાંથી ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મહેસાણાના યુવાને હોસ્પિટલની સામે ચોંકાવનારો આરોપ કર્યો છે. તેણે કહ્યું કે તેને લલચાવી ફોસલાવીને નસબંધીનું ઓપરેશન કરાવી લેવામાં આવ્યું છે. આથી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: મહેસાણામાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, રાજ્યમાં 15 દિવસમાં ત્રીજી ઘટના
મહેસાણાના નવી સેઢાવી ગામનો બનાવ
હાલ મળી રહેલી વિગતો અનુસાર આ બનાવ મહેસાણા જિલ્લાના નવી સેઢાવી ગામનો છે. અહી વગડામાં રહેતા યુવાને હોસ્પિટલ સામે ચોંકાવનારા આરોપ કર્યા છે. યુવાને કહ્યું કે તેને લલચાવી ફોસલાવીને તેનું નસબંધીનું ઓપરેશન કરી લેવામાં આવ્યું છે. અડાલજ તરફની હોસ્પિટલમાં લઈ જઈને તેનું ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું. વગડામાં રહેતા મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા યુવાનનું નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવ્યું છે.
એક મહિનામાં હતા લગ્ન
આ બનાવ પ્રકાશમાં આવતા જ લોકો ચોંકી ઉઠયા છે. વળી ભોગ બનનારા યુવાને એવો દાવો કર્યો છે કે નસબંધીનું ઓપરેશન કરતા પહેલા તેને દારૂ પીવડાવવામાં આવ્યો અને બાદમાં તેનું ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું. જોકે આવતા મહિને જ યુવકના લગ્ન હતા પરંતુ બનાવ બાદ યુવકના લગ્ન પણ તૂટી ગયા છે તેમ તેણે જણાવ્યું હતું. સમગ્ર મામલે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા આરોગ્ય વિભાગ પણ હવે એક્શન મોડમાં આવી ગયું છે.
આરોગ્ય વિભાગે સ્વીકારી ભૂલ
મહેસાણામાં રહેતા યુવકની નસબંધી કરી દેવાના કેસમાં આરોગ્ય વિભાગે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. આ મામલે આરોગ્ય વિભાગે કહ્યું કે, નવી શેઢાવીમાં યુવકની નસબંધી કરવામાં આવી હતી. ધનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારીની ભૂલથી આ ખોટું ઓપરેશન થયું છે, NSV કેમ્પમાં 28 ઓપરેશન થયા છે. ઓપરેશન પહેલા યુવકની પત્નીની મંજૂરી ન લેવાઈ હતી. યુવક અપરિણિત હતો છતાં તેનું ઓપરેશ કરી દેવામાં આવ્યું છે. આ કેસમાં જવાબદાર કેસમાં ભૂલ કરનારા કર્મચારીને સસ્પેન્ડ કરાશે.