મહેસાણા

મહેસાણાની દૂધસાગર ડેરીમાં ચેરમેન, વાઇસ ચેરમેન પદે કોની થઈ વરણી?

મહેસાણાઃ દૂધ સાગર ડેરીના ચેરમેન પદે અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન પદે દશરથભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર સંપૂર્ણપણે બિનહરીફ જાહેર થઈ હતી.

ચેરમેન તરીકે અશોક ચૌધરીને રિપીટ કરાયા હતા. જ્યારે વાઈસ ચેરમેન તરીકે દશરથભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. ચેરમેન, વાઈસ ચેરમેનની સર્વાનુમતે કરાઈ વરણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, એશિયાની સૌથી મોટી સહકારી દૂધ ઉત્પાદક સંઘોમાંની એક એવી મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર સંપૂર્ણપણે બિનહરીફ જાહેર થઈ હતી. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 15 ડિરેક્ટર બેઠકો માટે બધા જ ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં સહકારી ક્ષેત્રે ‘સમરસ’નો માહોલ છવાયો હતો .દૂધ સાગર ડેરીની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય પણ ચૂંટણી સંપૂર્ણપણે બિનહરીફ બની નહોતી.

હંમેશાં આ ડેરીની ચૂંટણીમાં ખેંચતાણ અને ઉગ્ર હરીફાઈ જોવા મળતી હતી. ત્યારે વર્તમાન શાસક પક્ષના સત્તાધીશો દ્વારા સહકારી નેતાગીરીને એક કરી, લાંબા સમયથી ચાલી રહેલા પ્રયાસોના પરિણામે આ ચૂંટણીમાં ડેરીના ઇતિહાસમાં પ્રથમવાર સમરસતા સ્થપાઈ હતી. આ બિનહરીફ ચૂંટણીથી ખેડૂતો અને પશુપાલકોમાં એકતાનો સકારાત્મક સંદેશ ગયો છે. ત્યારે આજે ચેરમેન પદે અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન પદે દશરથભાઈ પટેલની સર્વાનુમતે વરણી થઇ હતી.

ઓગસ્ટ મહિનામાં મહેસાણા દૂધસાગર ડેરી હોલ ખાતે મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ની 65મી વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં પશુપાલકોને 437 કરોડનો ભાવફેર વધારો અને દૂધમંડળીઓને 10 ટકા શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરાઈ હતી, સાથે જ દૂધ ઉત્પાદકોના વીમાની રકમ અકસ્માત મૃત્યુ વખતે ₹2 લાખ હતી, એ વધારીને ₹4 લાખ કરવામાં આવી હતી.

ઉપરાંત ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર 10 દૂધમંડળીઓ અને 10 પશુપાલકનું સન્માન કરાયું હતું. તેમજ દહીં, દૂધ અને છાશના વેચાણમાં વધારો કરવામાં પણ ડેરીને સફળતા મળી હતી. દૂધસાગર ડેરીનું ટર્નઓવર 8,054 કરોડ પહોંચ્યું હતું.

આ પણ વાંચો…દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ઝટકો, કોર્ટે કન્વિક્શન મોકૂફ રાખવાની અરજી ફગાવી…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button