VGRC ઉત્તર ગુજરાત: ‘કાર્બન ક્રેડિટ કમાઓ, સોલાર અપનાવો’! ઉદ્યોગો માટે ગ્રીન ગ્રોથનો મંત્ર

મહેસાણાઃ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના – ઉત્તર ગુજરાતના દ્વિતીય અને અંતિમ ચરણમાં “અર્થતંત્રનું ડી-કાર્બોનાઈઝેશન: સોલાર એનર્જીનો ઉપયોગ – કાર્બન ક્રેડિટનો લાભ” વિષય પર મહેસાણા જિલ્લાની ગણપત યુનિવરર્સિટી, ખેરવા ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેમિનારમાં ઉદ્યોગજગત, શૈક્ષણિક સંસ્થાઓ તથા પર્યાવરણ ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણમાં વધતા કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતો, ખાસ કરીને સોલાર એનર્જીના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ સેમિનારમાં નિષ્ણાતો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ સેમિનારમાં ઉપસ્થિત નિષ્ણાતોએ જણાવ્યું કે, ભારત આગામી દાયકાઓમાં “નેટ ઝીરો કાર્બન” લક્ષ્ય હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ દિશામાં સૌરઊર્જાનો વ્યાપક ઉપયોગ કરીને ઉદ્યોગો અને સંસ્થાઓ તેમના કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરી શકે છે. સોલાર પેનલ સ્થાપનથી વીજળી ખર્ચમાં બચત તો થાય જ છે, સાથે કાર્બન ક્રેડિટ દ્વારા વધારાનો નાણાકીય લાભ પણ મેળવી શકાય છે.
આજે ભારત અને ગુજરાતમાં કાર્બન ક્રેડિટના માધ્યમથી, જે સંસ્થાઓ પોતાના કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે છે, તેઓ આ ક્રેડિટ્સને વૈશ્વિક બજારમાં વેચી નાણાકીય પ્રોત્સાહન મેળવી શકે છે. નિષ્ણાતોએ ઉદ્યોગો માટે કાર્બન એકાઉન્ટિંગ, પ્રમાણપત્ર પ્રક્રિયા અને આંતરરાષ્ટ્રીય કાર્બન બજારની તકો અંગે વિગતવાર માહિતી આપી હતી.
નિષ્ણાતોએ જણાવ્યું કે, ભારતના સોલાર ઉર્જા ક્ષેત્રમાં અપરિમિત સંભાવનાઓ છે અને નાના- મોટા તમામ ઉદ્યોગો માટે સ્વચ્છ ઊર્જાને અપનાવવાનો સમય આવી ગયો છે. સરકારી યોજનાઓ અને પ્રોત્સાહન નીતિઓના યોગ્ય ઉપયોગથી રાજ્ય તથા રાષ્ટ્રના ટકાઉ વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે અને ભવિષ્યમાં કાર્બન નેટ ઝીટોનાં લક્ષ લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકાશે.
આ સેમિનારના અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં ઉપસ્થિત પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનારોએ સ્વચ્છ ઊર્જા અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આપણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: કચ્છના ૧૯૪ તળાવો નર્મદાના પાણીથી છલકાશે; ૫૪૯૨ હેક્ટર જમીનને જીવન મળશે