રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ PM Modiના વતન વડનગરમાં યોજાશે
દેશમાં અંગ્રેજી બોલનારાઓને જલ્દી જ શરમનો અનુભવ થશે

મહેસાણાઃ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ૨૧મી જૂન ૨૦૨૫, શનિવારના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં કરવામાં આવશે. યોગ ફોર વન અર્થ-વન હેલ્થની થીમ સાથે ઉજવાનારા આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતામુક્ત ગુજરાતનો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે.
શનિવારે ભૂપેન્દ્ર પટેલ સાથે હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડનગરના તાના-રીરી ગાર્ડનમાં ૨૧મી જૂને સવારે ૬:૦૦ કલાકથી યોજાનારા રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે. આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઇ પટેલ તેમ જ રમત-ગમત રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને અન્ય અગ્રણીઓ પણ આ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
૨૦૧૫થી ૨૧મી જૂને યોજાય છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
ભારતની પ્રાચીન સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારી પરંપરા એવા યોગને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે અને યુનાઈટેડ નેશન્સમાં ૧૭૭ દેશોના સમર્થનથી વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી ૨૧મી જૂને કરવાનું સ્વીકારવામાં આવ્યું છે. જે અનુસાર સમગ્ર વિશ્વમાં ૨૦૧૫થી ૨૧મી જૂને સામુહિક યોગના કાર્યક્રમોથી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે તે શ્રૃંખલામાં આ વર્ષે ૧૧મો યોગદિવસ ઉજવાશે.
આ પણ વાંચો: International Yoga Day 2024: યોગ દિવસ પર જાણો દેશના યોગ ગુરુઓ વિશે, જેને કારણે યોગ વિશ્વમાં વિખ્યાત થયો
૧ કરોડ ૫૦ લાખથી વધુ નાગરિકો સામેલ થવાનું લક્ષ્ય
વડા પ્રધાનની વતનભૂમિ વડનગરમાં શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મહાદેવ મંદિર, તાના-રીરી ગાર્ડન, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ, વડનગર રેલવે સ્ટેશન તથા વડનગર મ્યુઝિયમ, પ્રેરણા સ્ટ્રીટ, વોચ ટાવર, હાથી દેરાસર અને બી. એન. શાહ હાઈસ્કૂલ એમ ૧૧ આઇકોનિક સ્થળ પર યોગ અને સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોગ દિવસ કાઉન્ટડાઉન રૂપે યોજવામાં આવ્યા હતા. આ વર્ષે રાજ્ય ભરમાંથી અંદાજે ૧ કરોડ ૫૦ લાખથી વધુ નાગરિકોની સહભાગીતાથી યોગ દિવસ ઉજવવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે.
યોગદિવસની ઉજવણીમાં ૧ કરોડ લોકોએ લીધો હતો ભાગ
ઉલ્લેખનીય છે કે ગુજરાતે ગત વર્ષે ૧૦મા વિશ્વ યોગદિવસની ઉજવણીમાં ૧ કરોડ ૩૧ લાખ લોકોની સહભાગીતાથી અગ્રેસરતા મેળવી હતી. આ વર્ષે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસના ઉપલક્ષમાં વડનગરના તાના-રીરી ગાર્ડન ખાતે ભુજંગાસનમાં નવો વર્લ્ડ રેકર્ડ પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ગુજરાતે રાખ્યું છે.