દિલધડક કરતબોથી મહેસાણા ધણધણ્યું: 'સૂર્યકિરણ' ટીમે ઉત્તર ગુજરાતના આકાશમાં રોમાંચ સર્જ્યો | મુંબઈ સમાચાર
મહેસાણા

દિલધડક કરતબોથી મહેસાણા ધણધણ્યું: ‘સૂર્યકિરણ’ ટીમે ઉત્તર ગુજરાતના આકાશમાં રોમાંચ સર્જ્યો

મહેસાણા: ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજવવાના ભાગરૂપે આજે મહેસાણા એરોડ્રામ ખાતે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા દિવાળીની અતિશબાજી બાદ ઉત્તર ગુજરાતના આકાશમાં અદભુત અને રોમાંચક કરતબોનું પ્રદર્શન યોજાયું હતું. આ ભવ્ય એર શોનું આયોજન મહેસાણા એરપોર્ટ ખાતે ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલ તથા લોકસભા સાંસદ હરિભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

SKAT ટીમનું પ્રદર્શન અને વિશેષતાઓ
૧૯૯૬માં રચાયેલી SKAT એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે, જે “સર્વદા સર્વોત્તમ”ના સૂત્ર સાથે શ્રેષ્ઠતા અને શિસ્તનું પ્રતીક છે. અત્યાર સુધીમાં ટીમે ભારત સહિત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAEમાં ૭૦૦ થી વધુ પ્રદર્શનો કરી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે. આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વડોદરા, જામનગર, નલિયા અને ભુજમાં યોજાયેલા SKAT શોએ ગુજરાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

ભારતીય વાયુસેનાની SKAT ટીમના નવ હોક Mk132 વિમાનોએ મહેસાણાના અવકાશમાં પોતાના સશક્ત કરતબો રજૂ કર્યા હતા. આ વિમાનોએ SKAT ટીમના સિગ્નેચર ફોર્મેટ સ્ટંટ ડાયમંડ, ભારતના વિશ્વવિખ્યાત સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ સહિત લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ, ઇન્વર્ટેડ ફોર્મેશન ડીએનએ, એ અને વાય જેવા દિલધડક સ્ટંટ દર્શકોએ નિહાળ્યા હતા. સૂર્યકિરણ એરોબેટિક ટીમના પાયલટ્સ ૫ મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને અદ્ભુત કરતબો રજૂ કર્યા હતા, જેમાં ચોકસાઈ, શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન જોવા મળ્યું હતું. ભારતીય વાયુ સેનાના જાંબાઝ નવ વિમાનોએ મહેસાણાના આકાશને તિરંગાના રંગથી રંગ્યા. આ રંગ જેમાં કેસરી રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, સફેદ રંગ શાંતિ અને સત્ય, લીલો રંગ ઉત્પાદકતા અને ચક્ર ન્યાય તથા અધિકારોનું પ્રતીક મનાય છે, તેને મહેસાણાના નગરજનોએ ‘એક રાષ્ટ્ર, સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર’ ભાવ સાથે આવકાર્યા હતા.

આપણ વાંચો:  કચ્છ નહીં દેખા તો ક્યા દેખાઃ દિવાળી વેકેશનમાં કચ્છ પર્યટકોથી છલકાયું

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button