ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું, ભાજપનો પટ્ટો લગાવીને ફરવાથી નેતા ના બનાય…

મહેસાણાઃ રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ફરી એક વખત ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કડીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું કે, ભાજપનો પટ્ટો લગાવીને ફરવાથી નેતા ના બનાય. હવે બધાને ખબર પડી ગઈ છે.
ક્યાં આપ્યું નિવેદન
કડીના ચંપાબા ટાઉનહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં નીતિન પટેલે ભાજપના કાર્યકરો, નેતાઓનો ઉધડો લીધો હતો. તેમણે કહ્યું, ગોરખધંધા પણ કરવાના, એટલું જ નહીં ભાજપનો પટ્ટો લગાવીને ફરવાનું, આ ન ચાલે. હવે લોકો છેતરાતા નથી. આ ઉપરાંત તેમણે કહ્યું, છેલ્લા 10 વર્ષમાં બધાય લોકોએ માત્ર પક્ષની જાહોજલાલી જોઈ છે પણ સંઘર્ષ જોયો નથી. બધાને સત્તા જોઈએ છે. કોઈના હોદ્દા પર આવી જવાથી આખો પક્ષ ચાલે એવું ન બને. લોકોમાં હવે સહકાર આપવાની ભાવના નથી રહી.
નીતિન પટેલે કાર્યકરો-નેતાઓને શીખ આપી કે, કશું ન કરો તો કંઈ નહીં પણ એકબીજાને નડવાનું બંધ કરો. ગુજરાતમાં કેટલી હદે ખોટું થઈ રહ્યું છે તેનું ઉદાહરણ આપતાં કહ્યું- આજે ખેડૂતોની જાણ બહાર જમીન વેચાઈ રહી છે.એટલું જ નહીં ખુદ મંત્રીઓ બેંકમાંથી ખોટા નામે લોન લઈ પૈસા વાપરી નાંખે છે. જોકે ખોટું કરનારા બે ત્રણ મંત્રીઓ પોલીસ કેસમાં જેલમાં પણ છે.
આ પહેલા કડીના બુડાસણમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલ ખાતે સભા ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી. આ સભામાં તેમણે ધર્માંતરણ મુદ્દે વાત કરી હતી. ખ્રિસ્તી મિશનરીઓ પર નિશાન સાધતા નીતિન પટેલે કહ્યું, સેવાના નામે ખ્રિસ્તી મિશલરીઓ ધર્માંતરણ કરાવે છે.
હિન્દુ ધર્મ પર વર્ચસ્વ જમાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. એક આતંકવાદીઓનો પક્ષધર, વિદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે. અને એક ફોસલાવી, હાથ ફેરવી અને પટાવીને ધર્માંતરણ કરાવનારા લોકો છે. બંનેનું લક્ષ્ય તો એક જ છે કે ગમે તેમ કરીને હિન્દુઓને ઓછા કરવા, હિન્દુ ધર્મ પણ વર્ચસ્વ જમાવવું, આ માટે ખ્રિસ્તી ધર્મના કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરાવે છે. આપણે ઘટતા જઈએ છીએ, ખ્રિસ્તીઓની વસ્તી વધી રહી છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, વર્ચસ્વ જમાવવા માટે ખ્રિસ્તી મિશનરી બહુ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે. નિશાળ કરે, કપડાં આપે, દવાખાનું ખોલે, હોસ્ટેલ ખોલે અને પેલા લોકો હિંસક રીતે એક જ વાત કરીને એમનું કામ કરે છે. બંનેમાં એક આતંકવાદીઓ અને દેશદ્રોહીઓનો પક્ષ છે. સેવા-શિક્ષણના માધ્યમથી ધર્માંતરણ સામે લડવા નીતિન પટેલનો હુંકાર કર્યો હતો.
આ પણ વાંચો…‘કડીમાં હું છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં’: નીતિન પટેલ



