મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં કોનો થયો વિજય? પ્રથમ વખત બની આ ઘટના…

મહેસાણાઃ મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલની જીત થઈ હતી. વિકાસ પેનલને ટક્કર આપી વિશ્વાસ પેનલે બાજી મારી હતી. સમગ્ર મામલે જીત મેળવ્યા બાદ પેનલના ડિરેક્ટર દ્વારા એપોલોથી અર્બન બેન્ક સુધી ડી.જે ના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
જીત બાદ વિશ્વાસ પેનલના નેતા ડી.એમ. પટેલે કહ્યું હતું કે, વિશ્વાસ પેનલના ડી એમ પટેલે નિવેદન આપ્યું કે 10,000થી વધારે મતોથી અમે આ લીડ મેળવી છે અને અમે પ્રજાને વિશ્વાસ આપ્યો છે કે, આ બેંકમાં હવે ભવિષ્યમાં કદી ખોટું નહિ થાય અને બેંકમાં જે-જે પરિસ્થિતિ ઊભી થઇ છે રિકવરીની હોય, લોન ધિરાણની હોય તો કોઈ પણ પ્રશ્નો અમે તબક્કાવાર હાથ ઉપર લઇ એનો નિકાલ લાવવા ચોક્કસ પ્રયત્ન કરીશું અને આગામી સમયમાં બેંકની પ્રગતિ કરીશું.
પ્રથમ વખત ન થયું ક્રોસ વોટિંગ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા આઠે આઠ ઉમેદવારો પેનલ સાથે જીત્યા છે. પહેલી વખત એવું છે કે ક્રોસવોટિંગ નથી થયું. જે ખોટું થયું છે, જે જવાબદાર વ્યક્તિઓ છે એમાં કાર્યવાહી થશે જ અને રિકવરી માટે પણ અમે પૂરો પૂરો પ્રયત્ન કરીને ચાલુ કરીશું. ફક્ત એટલું જ નહિ લોકોનો વિશ્વાસ વધે એટલે હું અઠવાડિયાની અંદર મારી પોતાની 10 કરોડની ડિપોઝિટ મૂકીશ. અમારા લગભગ 14 ડિરેક્ટરો થાય છે અમે બધા સાથે મળીને જે બધાની સંમતિ હશે એને હોદ્દેદારો અમે બનાવીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણાના પૂર્વ સાંસદ શારદાબેનના પુત્ર અને એપોલો ગ્રુપના ડાયરેક્ટર એવા આનંદ પટેલ વિશ્વાસ પેનલમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. તેઓ સરદારધામ તથા વિશ્વ ઉમિયા ધામ, ગણપત યુનિવર્સિટી અને નાગલપુર કોલેજના ટ્રસ્ટી છે. આ ઉપરાંત ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના કારોબારી સભ્ય છે.
જ્યારે મહેસાણાના જાણીતા વિમલ ગ્રૂપમાંથી કાર્તિક પટેલની પેનલે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. બેંકની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન ચંદુભાઈ અને જી.કે. પટેલ (વિમલ ગ્રુપ)ની પેનલ સામે ડી.એમ. પટેલ, આનંદભાઈ પટેલ (એપોલો ગ્રુપ) સહિતના દિગ્ગજ સહકારી અને રાજકીય અગ્રણીઓનો ત્રિપાંખીયો જંગ જામ્યો હતો.