મહેસાણા

મહેસાણામાં યુવકની કરતૂત! પૂર્વ પ્રેમિકાના ઘર પાછળ CCTV લગાવી રાખતો હતો ગુપ્ત નજર, અંતે ભાંડો ફૂટ્યો

મહેસાણા: ગુજરાતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના એક ગામમાં એક યુવક પર તેની પૂર્વ પ્રેમિકાની અંગત જિંદગીમાં દખલ કરવા અને ચોરી છૂપી રીતે પીછો કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. આ યુવકે મહિલાના ઘરની પાછળ છુપાવીને CCTV કેમેરા લગાવીને તેના પર 24 કલાક ગુપ્ત રીતે નજર રાખી રહ્યો હતો. આ અંગે મહેસાણા પોલીસે રવિવારે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી.

10 વર્ષના સંબંધના અંત બાદ આપ્યો ત્રાસ

પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદી મહિલા કડી તાલુકાના એક ગામમાં આંગણવાડી કર્મચારી તરીકે કામ કરે છે. તે આરોપી સાથે આશરે 10 વર્ષથી સંબંધમાં હતી, જે તેના લગ્ન પછી પણ ચાલુ રહ્યો હતો. જોકે, પતિને મેસેજ અને કોલ દ્વારા તેમના સબંધ વિશે જાણ થતાં આ સંબંધનો અંત આવ્યો હતો. મહિલા અને તેના પતિએ આરોપીને મળીને સબંધ પૂરો કરી દેવા જણાવ્યું હતું, જે પછી મહિલાએ યુવકને મળવાનું બંધ કરી દીધું હતું. તેમ છતાં, આરોપીએ મહિલાનો પીછો કરવાનું, આંગણવાડી નજીક આંટાફેરા કરવાનું અને તેના ઘર આસપાસ લટાર મારીને તેની ગતિવિધિઓ પર નજર રાખવાનું ચાલુ રાખ્યું હતું.

ઘર પાછળ છુપાવેલો CCTV કેમેરા પકડાયો

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, એક દિવસ દંપતી ઘરની પાછળ સાફ સફાઇ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને ઝાડવાંની અંદર છુપાવેલો એક નાનો CCTV કેમેરો મળી આવ્યો હતો. શંકા જતાં પતિએ કેમેરાના મેમરી કાર્ડની તપાસ કરી હતી અને ફૂટેજમાં આરોપી પોતે કેમેરાની સામે ઊભેલો દેખાયો, જેનાથી સ્પષ્ટ થયું કે મહિલાની દૈનિક ગતિવિધિઓ પર નજર રાખવા માટે તેણે જ આ કેમેરો લગાવ્યો હતો. આ પછી પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, અમે ફરિયાદ નોંધાયા બાદ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપી મહિલાની હિલચાલ પર નજર રાખવા માટે વિસ્તારના અન્ય એક CCTV કેમેરા નો પણ ઉપયોગ કરતો હોઈ શકે છે. પોલીસે જણાવ્યું હતું કે આવા કૃત્યો ગોપનીયતાનું ગંભીર ઉલ્લંઘન કરે છે અને ભોગ બનનારને માનસિક તણાવ આપે છે. કેમેરા અને મેમરી કાર્ડની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે કે ફૂટેજ અન્ય ક્યાંય શેર કરવામાં આવ્યા હતા કે સંગ્રહિત કરવામાં આવ્યા હતા.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button