ગુજરાતના પાટીદારોના ગઢ એવા જિલ્લાનાં ક્યાં 10 ગામોમાં સેક્સ રેશિયો રેડ ઝોનમાં ? શરૂ કરવી પડી ઝુંબેશ…
મહેસાણાઃ ગુજરાતમાં મહેસાણા પાટીદારોનો ગઢ ગણાય છે. આ જિલ્લાના 10 ગામોમાં સેક્સ રેશિયો રેડ ઝોનમાં આવતાં તંત્ર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મળતી વિગત પ્રમાણે, અત્યાર સુધી આરોગ્ય વિભાગ સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા માટે ગાયનેકોલોજિસ્ટ પર કડક દેખરેખ અને સ્ટિંગ ઓપરેશન પર નિર્ભર હતું. પરંતુ હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત જે ગામોમાં 1000 છોકરાઓ સામે છોકરીઓનો જન્મદર 800થી નીચે ગયો છે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર શૈલેષ પ્રજાપતિ અને જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીએ તાજેતરમાં અસરગ્રસ્ત ગામોના સરપંચો સાથે બેઠક યોજી હતી અને પરિસ્થિતિ સુધારવામાં નેતૃત્વ લેવા માટે તેમની પાસેથી લેખિત પ્રતિબદ્ધતા માંગી હતી. આ બેઠકમાં તાલુકા આરોગ્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રેડ ઝોનમાં મુકાયેલા ગામો
મહેસાણા તાલુકાના હરદેસણ અને પીલુદરા
વિજાપુરનું બામણવા
વિસનગરનું કડા
બેચરાજીનું ડોડીવાડા
ખેરાલુનું ચાણસોલ
ઊંઝાના ભવાનીપુરા અને જસ્કા
જોટાણાનું કટોસણ
કડીનું મથાસુર
સતલાસણાનું સુદાસણા
આ અભિયાનના ભાગરૂપે, ગ્રામ પંચાયતના સરપંચો ધાર્મિક નેતાઓ, સામાજિક કાર્યકરો અને સ્થાનિક પ્રતિનિધિઓ સાથે મળીને લિંગભેદ વિરુદ્ધ જાગૃતિ લાવવાનું કામ કરશે. જિલ્લામાં જ્યાં સગર્ભા માતાઓ અને તેમની સાસુઓ હજુ પણ પુત્રની જ ઈચ્છા રાખતા હોય છે તેવા પરિવારોનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે મહિલાઓ પોતે સમજશે કે દીકરો અને દીકરી સમાન છે ત્યારે જ સાચો ફેરફાર ત્યારે જ આવશે.
વહીવટી તંત્રએ આ ગામોની ગ્રામ પંચાયતો અને જાહેર સ્થળોએ ‘દીકરી બચાવો’ના સૂત્રો લખવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, ગ્રામ સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ધાર્મિક વડાઓ સાથે મળીને જનસંપર્ક વધારવા માટે બેઠકોનું આયોજન કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, માત્ર કાયદાકીય અમલીકરણને બદલે સામાજિક રીતે આ મુદ્દાને ઉકેલવા માટે પાયાના સ્તરે આવું સંકલિત અભિયાન શરૂ કરવામાં આવ્યું હોય તેવું પ્રથમ વખત બન્યું છે.



