અમેરિકાનો ‘મોહ’ દીકરાને લાગ્યો ને બાપને ‘ભારે’ પડ્યોઃ ઉધરાણીના ત્રાસથી કંટાળીને ભર્યું એવું પગલું કે…

મહેસાણાઃ અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતાં 400થી વધુ ભારતીયને હાંકી કાઢ્યા હતા. જેમાં 70થી વધુ ગુજરાતી હતા. ગુજરાતીઓની આમ પણ અમેરિકા જવાની ઘેલછા જાણીતી છે ત્યારે એક ચોંકાવનારો કિસ્સો મહેસાણામાંથી સામે આવ્યો હતો. એક પિતાએ તેના પુત્રને વિદેશ મોકલવા વ્યાજે પૈસા લીધા હતા, પરંતુ ઉઘરાણીના ત્રાસથી કંટાળીને તેમણે પોતાનો જીવ આપી દીધો હતો. દીકરાને કેમ કરીને વિદેશ મોકલવાના પ્રયાસમાં બાપે અંતિમ પગલું ભરતા સમગ્ર જિલ્લામાં તેના આકરા પ્રત્યાઘાતો પડ્યાં હતાં.
આ પણ વાંચો : મહેસાણા જિલ્લાના ખેડૂતોને IFFCOએ આપ્યા રાહતના સમાચાર; 2200 મેટ્રિક ટન યુરિયા ખાતરની ફાળવણી
આર્થિક સ્થિતિ કથળતા પૈસા ચૂક્વી શક્યા નહીં
મહેસાણાના ગોઝારિયા ગામમાં કૌશિક પંચોલીએ પોતાના દીકરાને વિદેશ જવાની ઈચ્છા પૂરી કરવા માટે ભત્રીજાના મિત્રો પાસેથી 55 લાખ ઉછીના લીધા હતા, જેમાંથી 20 લાખ પરત કરવાના બાકી હતા. કૌશિક પંચોલીનો ભત્રીજાના મિત્રો ગૌરવ મોદી, કમલેશ પટેલ અને ચિરાગ પટેલ ઘરે આવીને ધમકી આપતા હતા. તેઓ કૌશિક પંચોલી પાસે પૈસાની ઉઘરાણી કરીને ત્રાસ આપતા હતા. જોકે, તેમની આર્થિક સ્થિતિ કથળી હોવાના કારણે તેઓ પૈસા ચૂકવી શક્યાં નહોતા, બાદમાં જો પૈસા નહીં આપે તો મારી નાંખવાની ધમકી આપી હતી.
પૈસાની આપ-લે કરવા મુદ્દે મામલો વણસ્યો
બે દિવસ પહેલા કૌશિક પંચોલીએ તેમની પાસે પૈસા આવતા જ તેમની બાકી રકમ ચૂકવી દેશે તેમ કહ્યું હતું. જેને લઈ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા તેમ જ છરી બતાવીને સવાર સુધીમાં પૈસા પરત કરવાની ધમકી આપી હતી. બીજા દિવસે સવારે કૌશિકભાઈના પત્ની તેમને જગાડવા માટે ગયા હતા. પરંતુ તેઓ જાગ્યા નહોતા. જેથી તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો : મહેસાણાના યુવકે જલદી માલામાલ થવાની લાલચમાં 80 લાખ ગુમાવ્યાં…
આરોપીઓ ધમકાવતા ભર્યું અંતિમ પગલું
પોલીસે જણાવ્યું હતું કે મૃતક કૌશિક પંચોલીનો પુત્ર 6 મહિના પહેલા અમેરિકા ગયો હતો. પંચોલીએ આરોપી પાસેથી 55 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. તેમાંથી 31 લાખ પરત કરી દીધા હતા અને બાકી પૈસાની વ્યવસ્થા થતી નહોતી. જેથી આરોપીઓ તેને ધમકાવતા હતા. તેનાથી ત્રાહિમામ થઈને એસિડ ગટગટાવી લેતાં મૃત્યુ થયું હતું. પોલીસે કેસ નોંધીને આરોપી ચિરાગ પટેલની ધરપકડ કરી હતી અને અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી હતી.